જામનગરમાં દેશી દારૂની ભઠ્ઠીના કેસમાં સંડોવાયેલા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરાતાં ભારે ચકચાર
Jamnagar : જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હેઠળના વિસ્તારમાં તાજેતરમાં દેશી દારૂ અંગેનો દરોડો પાડવામાં આવ્યો હતો, અને અંદાજે એકાદ લાખ રૂપિયાની માલમત્તા કબજે કરી દેશી દારૂની ભઠ્ઠીની પ્રવૃતિ ચલાવવા અંગેનો કેસ કરવામાં આવ્યો હતો. જે દારૂની ભઠ્ઠીના કેશમાં સંડોવાયેલા એક નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરની પંચકોશી એ. ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતાં ભારે ચકચાર જાગી છે.
જામનગરના પંચકોશી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં એક દેશી દારૂની પ્રવૃત્તિ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનામાં દેશી દારૂ, આથો, અને દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.1,04,250નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ દારૂ ભઠ્ઠીના કેસમાં નિવૃત્ત પોલીસ અધિકારીની સંડોવણી હોવાના પુરાવા મળ્યા હતા. જેથી પંચકોશી 'એ' ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.શેખ, પો.સબ ઇન્સ. એ.કે.પટેલ અને પોલીસ સ્ટાફે આરોપી મેઘરાજસિંહ ભારુભા ઝાલાની અટકાયત કરી લીધી છે. જે મૂળ વડોદરાના કારેલીબાગ વિસ્તારના રહેવાસી છે અને હાલ જામનગરમાં રહે છે. પરંતુ તેઓ નિવૃત્ત થયા બાદ દેશી દારૂની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાની માહિતીના આધારે તેને શોધી કાઢી તેની ધરપકડ કરી છે. આ કાર્યવાહીને લઈને પોલીસબેડામાં ભારે ચકચાર જાગી છે.