જામનગરના પંચકોશી એ. ડિવિઝનના દેશી દારૂની ભઠ્ઠીના કેસમાં પકડાયેલા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરને જેલહવાલે કરાયા
Jamnagar Police : જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હેઠળના વિસ્તારના દેશી દારૂ અંગેના કેસમાં સંડોવાયેલા એક નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરની અટકાયત કરાયા બાદ અદાલતમાં રજૂ કરતાં તેઓને જેલહવાલે કરાયા છે.
જામનગરના પંચકોશી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં એક દેશી દારૂની પ્રવૃત્તિ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનામાં દેશી દારૂ, આથો, અને દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.1,04,250 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ દારૂની ભઠ્ઠીના કેસમાં નિવૃત્ત પોલીસ અધિકારીની સંડોવણી હોવાના પુરાવા મળ્યા હતા. જેથી પંચકોશી 'એ' ડિવિઝનના પોલીસ સ્ટાફે મૂળ વડોદરાના અને હાલ જામનગરમાં રહેતા નિવૃત્તિ પી.આઈ. મેઘરાજસિંહ ભારુભા ઝાલાની અટકાયત કરી હતી.
જેને ગઈકાલે સાંજે જામનગરની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં અદાલતે તેઓને જેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યો હતો. આથી પોલીસ ટુકડીએ તેને જેલમાં મોકલી આપ્યા છે.