મહેસાણા નજીક ખૂની ખેલ ખેલાયો, નિવૃત આર્મીમેને પત્નીને દાતરડાના ઘા ઝીંકી કરી હત્યા
Murder in Mehsana: મહેસાણા તાલુકાના વડસ્મા ગામે ગુરૂવારે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં નિવૃત્ત આર્મીમેને ઘરકંકાશથી કંટાળી જઈને તેની પત્નીને ગળાના ભાગે દાતરડાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ અંગે પોલીસે ફરાર પતિ સામે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી.
મહેસાણા તાલુકાનાના વડસ્મા ગામે રહેતા નિવૃત્ત આર્મીમેન રમેશભાઈ મથુરભાઈ પ્રજાપતિને અવારનવાર પત્ની મીનાબેન સાથે નાની મોટી બાબતે ઘરકંકાસ થતો હતો. દરમિયાનમાં ગુરૂવારે રાત્રિના પણ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જો કે, તે વખતે ગામમાં રહેતો પુત્ર તેના માતા અને પિતાને ટીફીન આપવા આવ્યો હતો. તેણે માતા-પિતાને ઝઘડતાં જોયા બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં પારિવારીક બાબત હોવાથી દંપતી વચ્ચે સમાધાન થયું હતું.
ગુરૂવારે સવારે 10 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર નિવૃત્ત આર્મીમેન રમેશભાઈ પ્રજાપતિએ ઉશ્કેરાઈ જઈને દાતરડા વડે પત્ની મીનાબેનના ગળાના ભાગે ઘા ઝીંકી તેનું ઢીમ ઢાળી દીધું હતું. પત્નીને રહેંસી નાંખીને હત્યારો પતિ પલાયન થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પુત્ર ખેતરમાં દોડી આવ્યો હતો. જ્યાં માતાને લોહીલુહાણ હાલતમાં જોઈને કન્ટ્રોલ રૂમને જાણ કરતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળ દોડી આવી હતી. બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. જો કે, પરિણીતાનું મોત નીપજ્યું હોવાથી પરત ફરી હતી.
આ અંગે મરનારના પુત્રએ તેના પિતા રમેશ મથુરભાઈ પ્રજાપતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરાર આરોપી પતિ સામે હત્યા સહિતનો ગુનો દાખલ કરી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ગ્રામજનોમાં થતી ચર્ચા મુજબ પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો. જો કે, પોલીસે પકડવાનો બાકી હોવાનું જણાવ્યું હતું.