નિવૃત્ત એરફોર્સ ઓફિસરે મિલકતના વિવાદમાં પત્ની પર ફાયરિંગ કર્યુ
પત્ની, સિક્યુરિટી ગાર્ડ તથા જાળી ખોલવા આવેલા કારીગરને ઇજા : ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયા
વડોદરા,માંજલપુરમાં રહેતા નિવૃત્ત એરફોર્સ ઓફિસર અને તેમના પત્ની વચ્ચે ચાલતા મિલકતના વિવાદમાં આજે ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા પતિએ પોતાની બાર બોરવાળી રાયફલથી ફાયરિંગ કરતા પત્ની અને તેની સાથે આવેલા સિક્યુરિટી ગાર્ડ તેમજ મદદ કરવા આવેલા યુવકને છરા વાગવાથી ઇજા પહોંચી હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે શ્રીજી ધામ સોસાયટીમાં રહેતા ૭૯ વર્ષના હરવિન્દર શર્મા એરફોર્સમાંથી નિવૃત્ત થયા છે. તેઓને પત્ની નિલમબેન સાથે વર્ષોથી મિલકત અંગેનો ઝઘડો ચાલતો હતો. આજે સવારે પતિ - પત્ની વચ્ચે તકરાર થતા પતિ અને પૂત્રવધૂએ મળીને નિલમબેન અને કેર ટેકર ભૂમિ પ્રજાપતિને ઘરની બહાર કાઢી મૂકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે નિલમબેને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવ્યા પછી નિલમબેન તથા કેર ટેકર ભૂમિ પ્રજાપતિ પરત ઘરે આવ્યા હતા. પરંતુ, પતિએ ઘરની જાળી બંધ કરી દીધી હતી. જેથી, તેઓ સિક્યુરિટી ગાર્ડ અને રવિ માળીને લઇને આવ્યા હતા. તેઓ ઘરની જાળી ખોલવાની કોશિશ કરી રહ્યા હતા. તે દરમિયાન ઉશ્કેરાયેલા પતિ હરવિન્દર શર્માએ પોતાની ૧૨ બોર વાળી રાયફલથી ફાયરિંગ કરતા નિલમબેન, સિક્યુરિટી ગાર્ડ અને રવિ માળીને છરા વાગતા ઇજા પહોંચી હતી. બનાવના પગલે ટોળા ભેગા થઇ ગયા હતા અને માંજલપુર પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. બીજી તરફ માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પત્ની નિલમબેનને ડાબા પગની જાંઘ પર ગોળી વાગી
વડોદરા,સયાજી હોસ્પિટલમાં સારવાર માટે નિલમબેન શર્મા તથા રવિ મનુભાઇ માળી, ઉં.વ.૩૨ (રહે. વ્હાઇટ વુડાના મકાનમાં, ન્યૂ વી.આઇ.પી. રોડ) ને લઇ જવામાં આવ્યા હતા. નિલમબેનને ડાબા પગે જાંઘ પર તથા રવિને પણ જાંઘ પર તથા પેટના ભાગે ગોળી વાગી હતી. જ્યારે સિક્યુરિટી ગાર્ડને સાધારણ ઇજા થઇ હતી. કેર ટેકર ભૂમિબેન પ્રજાપતિએ કહ્યું હતું કે, હવે અમને એ ઘરમાં જતા ડર લાગે છે. હરવિન્દર શર્મા ક્યારે પણ ફાયરિંગ કરી શકે છે.