પત્ની પર ફાયરિંગ કરનાર નિવૃત્ત એરફોર્સ ઓફિસરની ધરપકડ
આરોપીના ઘરમાંથી પંચાવન કારતૂસ મળ્યા : અન્ય કોઇની સંડોવણી અંગે તપાસ શરૃ
વડોદરા,માંજલપુરમાં નિવૃત્ત એરફોર્સ ઓફિસર અને તેમના પત્ની વચ્ચે ચાલતા ૧ર બોર વાળી બંદૂકથી કરેલા ફાયરિંગમાં તેમના પત્ની સહિત બે ને ઇજા થઇ હતી. આ ગુનામાં પોલીસે નિવૃત્ત એરફોર્સ ઓફિસરની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે શ્રીજી ધામ સોસાયટીમાં રહેતા ૭૯ વર્ષના હરવિન્દર શર્મા એરફોર્સમાંથી નિવૃત્ત થયા છે. તેઓને પત્ની નિલમબેન સાથે વર્ષોથી મિલકત અંગેનો ઝઘડો ચાલતો હતો. આજે સવારે પતિ - પત્ની વચ્ચે તકરાર થતા પતિ અને પૂત્રવધૂએ મળીને નિલમબેન અને કેર ટેકર ભૂમિ પ્રજાપતિને ઘરની બહાર કાઢી મૂકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે નિલમબેને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવ્યા પછી નિલમબેન તથા કેર ટેકર ભૂમિ પ્રજાપતિ પરત ઘરે આવ્યા હતા. પરંતુ, પતિએ ઘરની જાળી બંધ કરી દીધી હતી. નિલમબેને પોતાના ઓળખીતા નિરવ જગજીવનભાઇ માળી (રહે. સાંઇનાથ નગર, અલવા નાકા, માંજલપુર)ને ફોન કરીને આવવા માટે કહ્યું હતું. નિરવ પોતાના મિત્ર રવિ મનુભાઇ માળી સાથે આવ્યો હતો. નિલમબેન સાથે તેઓ ઘખરના પાછળના દરવાજે ગયા હતા. પરંતુ, તે દરવાજો પણ બંધ હતો. દરવાજો ખખડાવતા પતિ દેખાતા નિલમબેને દરવાજો ખોલવા જણાવ્યું હતું. ઉશ્કેરાયેલા પતિ હરવિન્દર શર્માએ તું કેમ પાછી ઘરે આવી ? અહીંયાથી જતી રહે. નહીંતર દોળી મારી દઇશ. તેવી ધમકી આપી હતી. નિલમબેને બારી ખોલવાની કોશિશ કરતા પતિ હરવિન્દર શર્માએ બારીમાંથી બાર બોરવાળી સિંગલ નાળી બંદૂક વડે ફાયરિંગ કરતા નિલમબેન તથા રવિને ઇજા પહોંચી હતી. આ ગુનામાં પી.આઇ. ગાયત્રી રાજપૂતે હરવિન્દર શર્માની ધરપકડ કરી બંદૂક કબજે લીધી છે. આરોપીના ઘરમાંથી પોલીસને પંચાવન કારતૂસ મળ્યા છે. આટલા બધા કારતૂસ રાખવા પાછળના કારણની પોલીસ તપાસ કરી રહી છે. તેમજ આ ગુનામાં અન્ય કોઇની સંડોવણી અંગે પણ તપાસ થઇ રહી છે.