જેઈઈ મેઈનનું પરિણામ જાહેર, વડોદરાના 75 ઉપરાંત વિદ્યાર્થીઓના 99 કરતા વધારે પર્સેન્ટાઈલ
વડોદરાઃ દેશની આઈઆઈટી, એનઆઈટી સહિતની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજોમાં ધો.૧૨ પછી પ્રવેશ માટે જાન્યુઆરી મહિનામાં લેવાયેલી જેઈઈ મેઈન પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે.સમગ્ર દેશમાંથી લગભગ ૧૨.૫૮ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
વડોદરામાંથી ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હોવાનો અંદાજ છે.આજના પરિણામમાં વડોદરાના ૭૫ કરતા વધારે વિદ્યાર્થીઓએ ૯૯ કરતા વધારે પર્સેન્ટાઈલ મેળવ્યા છે.હવે એપ્રિલ મહિનામાં બીજી વખત જેઈઈ મેઈન પરીક્ષા લેવાશે અને એ પરીક્ષા બાદ વિદ્યાર્થીઓની રેન્ક સાથેનું અંતિમ પરિણામ જાહેર થશે.જેના કટઓફ પ્રમાણે ક્વોલિફાય થનારા વિદ્યાર્થીઓ જેઈઈ એડવાન્સની પરીક્ષા આપશે.વડોદરામાંથી અદિત ભગાડેએ ૯૯.૯૯ પર્સેન્ટાઈલ મેળવ્યા છે.
એનસીઈઆરટીના પાઠય પુસ્તકો પર વધારે ધ્યાન આપ્યું હતું
બીજી વખત પણ મેઈન પરીક્ષા આપીશ પરંતુ હવે જેઈઈ એડવાન્સ પર વધારે ધ્યાન છે.એનસીઈઆરટીના પાઠય પુસ્તકો પરીક્ષાની તૈયારી માટે વધારે મહત્વના છે.નોટસ પર ધ્યાન આપતો હતો.મારા માતા પિતા ડોકટર છે પરંતુ મને પહેલેથી ગણિત વધારે ગમતું હોવાથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો હતો.
અદિત ભાગાડે, ૯૯.૯૯ પર્સેન્ટાઈલ
ભણવાના કલાકો કરતા રોજનો ટાર્ગેટ પૂરો કરવો મહત્વનું
બે વર્ષથી જેઈઈ પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયારી કરી હતી.ભણવાના કલાકો કરતા રોજનો ટાર્ગેટ સેટ કરવો વધારે જરુરી છે તેવું મને લાગે છે.મારા માતા પિતા તો ડોકટર છે પરંતુ મને ગણિતમાં પહેલેથી વધારે રસ હતો અને એટલે જ મેં ફિઝિક્સ, મેથ્સ અને કેમેસ્ટ્રી વિષય ભણવાનું પસંદ કર્યું હતું.
શૌર્ય ગુપ્તા, ૯૯.૯૫ પર્સેન્ટાઈલ
નવમા ધોરણથી ફિઝિક્સ અને મેથ્સ વિષયો ગમતા હતા
નવમા અને દસમા ધોરણથી જ ફિઝિક્સ અને મેથ્સ વિષય વધારે ગમવા માંડયા હતા.મારી જાતે હું તેનો એડવાન્સ અભ્યાસ કરવા માંડયો હતો.શિક્ષકો પણ સારા મળ્યા હાત.પિતા પ્લાસ્ટિક એન્જિનિયર છે અને માતા એમએ અને બીએડની ડિગ્રી મેળવી ચૂકયા છે.
પ્રિયાંક પટેલ, ૯૯.૯૪ પર્સેન્ટાઈલ
ટાઈમ મેનેજમેન્ટના ભાગરુપે ગણિતના પ્રશ્નોના જવાબ છેલ્લે લખ્યા
મને લાગે છે કે, થિયરી સમજવી જરુરી છે.એ પછી પ્રશ્નોના જવાબ આપોઆપ આવડવા માંડે છે.ટાઈમ મેનેજમેન્ટ પરીક્ષામાં શરુઆતથી જ કરવું પડે છે.મેં ફિઝિક્સના પ્રશ્નો અને કેમેસ્ટ્રીના પ્રશ્નો પહેલા સોલ્વ કર્યા હતા અને ગણિતના પ્રશ્નો છેલ્લે સોલ્વ કર્યા હતા.પિતા રેલવેમાં ફરજ બજાવે છે.
અભિષેક કુમાર, ૯૯.૯૪ પર્સેન્ટાઈલ
રિવિઝન અને જૂના પેપર લખવા પર પણ ધ્યાન આપ્યું
ઘરે આવીને રિવિઝન કરતો હતો.જૂના પેપર સોલ્વ કરવા પર પણ વધારે ધ્યાન આપ્યું હતું.જેમાં ભૂલ પડે તે સવાલની વધારે પ્રેક્ટિસ કરતો હતો.હાર્ડ વર્ક કરતા સ્માર્ટ વર્ક વધારે જરુરી છે તેવું મને લાગે છે.મારા પિતા શિક્ષક છે એટલે તેમની પણ મને મદદ મળતી હતી.
યુવરાજ પાહિલવાની, ૯૯.૯૧ પર્સેન્ટાઈલ
અભ્યાસ અને મહેનતમાં સાતત્ય હોવું જોઈએ
અભ્યાસમાં અને મહેનતમાં સાતત્ય હોવું જરુરી છે.કેમેસ્ટ્રી માટે એનસીઈઆરટીના પુસ્તક પર વધારે ભાર મૂકયો હતો.જેઈઈ મેઈનની પરીક્ષામાં ફિઝિક્સના પ્રશ્નો થોડા અઘરા લાગ્યા હતા.રોજ ૬ કલાક ઘરે વાંચતો હતો.મારા માતા ડોકટર છે અને પિતા નોકરી કરે છે.
રંગરાજ છાબરા, ૯૯.૯૦ પર્સેન્ટાઈલ
પ્રશ્નો ઝડપથી સોલ્વ કરવાની પ્રેક્ટિસ રાખવી જોઈએ
દરેક ચેપ્ટરની નોટસનું રિવિઝન કરતો હતો.પ્રશ્નો સોલ્વ કરવાની પ્રેક્ટિસ રાખવી પડે.જો કોઈ પ્રશ્ન સોલ્વ ના થતો હોય તો તેને થોડા સમય બાદ બાજુ પર રાખીને બીજા પ્રશ્ન પર ધ્યાન આપવું જોઈએ અને એ પછી આ પ્રશ્નને ફરી સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.મારા માતા અને પિતા એન્જિનિયર છે અને બંને નોકરી કરે છે.
શુભમ પ્રસાદ, ૯૯.૯૦ પર્સેન્ટાઈલ
અઘરા પ્રશ્નો લખવાની પ્રેક્ટિસ વધારે કરી હતી
અભ્યાસ સિવાય પ્રોબ્લેમ સોલ્વિંગ બૂક્સ પર અને વધારે અઘરા હોય તેવા પ્રશ્નો પર વધારે ધ્યાન આપ્યું હતું.ફિઝિક્સમાં મારા પોતાના પ્રશ્નો હું બનાવતો હતો અને તેના જવાબો શોધવાનો પ્રયાસ કરતો હતો.મારા પિતા એન્જિનિયર છે અને તેઓ બિઝનેસ કરે છે.
તક્ષ મિસ્ત્રી, ૯૯.૮૯ પર્સેન્ટાઈલ
વહેલી સવારે ઉઠીને વાંચવું વધારે પસંદ છે
ધો.૧૧થી જેઈઈની તૈયારી શરુ કરી હતી.ઘરે ત્રણ થી ચાર કલાક વાંચતો હતો.પરીક્ષાની તૈયારીના ભાગરુપે તમામ ટેસ્ટ પણ આપ્યા હતા.મને વહેલી સવારે ઉઠીને તૈયારી કરવી વધારે ગમે છે.મારા માતા પિતા પણ એન્જિનિયર છે.પિતા ખાનગી કંપનીમાં અધિકારી છે.
પરમ દામાણી, ૯૯.૮૮ પર્સેન્ટાઈલ