સુરત પાલિકાના કેટલાક પ્લોટ મેયરના ભાઈબંધુઓને ફાળવી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ, રહીશોએ મચાવ્યો હલ્લાબોલ
Surat Corporation : સુરત પાલિકાના મોટા વરાછામાં પાલિકાની ખુલ્લા પ્લોટ ફાળવવાની નીતિ દિવસેને દિવસે વિરોધ થઈ રહ્યો છે. પાલિકાએ ફાળવેલા પ્લોટ આસપાસના રહીશો માટે આફતરૂપ હોય લોકો વિરોધ કરી રહ્યા છે. મંગળવારે મોટા વરાછાની કેટલીક સોસાયટીના રહીશોએ પ્લોટ ફાળવણી સામે વિરોધ કર્યો હતો અને સોસાયટીના રહીશોએ હલ્લાબોલ મચાવી ફાળવણી રદ્દ કરવા તથા તાત્કાલિક ધોરણે શેડ બનાવવાનું કામ રોકવાની માંગણી કરી હતી. તો વિપક્ષના એક કોર્પોરટેરે પાલિકાના કેટલાક પ્લોટ મેયરના ભાઈબંધુઓને ફાળવી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
સુરત પાલિકાના વરાછા ઝોનમાં પાલિકાના અનામત પ્લોટ ફાળવવા સામે વિરોધનો સુર હવે મજબૂત થઈ રહ્યો છે. ગઈકાલે મોટા વરાછાની ક્રિષ્ના ટાઉનશીપ પાછળ પાલિકાએ ફાળવેલા પ્લોટમાં ધંધાદારી આયોજન માટે ડોમ અને શેડ બનાવવામાં આવી રહ્યાં છે તેના વિરોધ સાથે લોકો પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. સ્થાનિકોએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, પાલિકાએ ચોક્કસ ધંધાકીય પ્રવૃત્તિનો ઉલ્લેખ કર્યા વગર પ્લોટની સોંપણી કરવામાં આવી છે. જેના કારણે હેતુ વિરુધ્ધની પ્રવૃતિ આચરવા તથા ગેરકાયદેસર સ્ટ્રક્ચર ઉભા કરીને રહેણાંક વિસ્તારમાં ન્યુસન્સ ઉભા કરવામાં આવી રહ્યાં છે.
પાલિકાએ ફાળવેલા પ્લોટમાં ફુડ ઝોન પાર્કિંગ, ગેરેજ, પાનના ગલ્લા, કાપડ તથા ભંગારના ગોડાઉન, જવલનશીલ પદાર્થના ગોડાઉનો સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીયલ પ્રવૃતિઓ અર્થે સ્ટોલ ઉભા કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત પાલિકાની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસરની સબ ફાળવણી કરવા ગેરકાયદેસર અને જોખમી પતરાના ડોમ ઉભા કરવામાં આવ્યા છે. આવા પ્રકારની પ્રવૃતિથી લોકોની હેરાનગતિ થતાં તેઓએ પાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓને રજૂઆત કરીને પ્લોટની ફાળવણી રદ્દ કરવા તથા તાત્કાલિક ધોરણે શેડ બનાવવાનું કામ રોકવાની માંગણી છે.
વિપક્ષના કોર્પોરેટર મોનાલી હીરપરાએ તો આ બાબતે સીધો મેયર પર આક્ષેપ કર્યો છે તેઓએ કહ્યું છે, મોટા વરાછામાં ટેમ્પરરી સ્ટ્રક્ચરની પરમિશન નથી છતા ત્યા અસંખ્ય ડોમ બની ગયા છે. મેયરના પોતાના જ ભાઈબંધુઓને ત્યા પ્લોટ ફાળવી દેવાયા છે અને ટેમ્પરરી સ્ટ્રક્ચર બની ગયા છે. આ અંગે સોસાયટીના પ્રમુખો દ્વારા પણ ઘણીવાર લેખિત અરજી આપવામાં આવી છે. હાલમાં જ મોટા વરાછામાં મોટી સંખ્યામાં રેલી પણ નીકળી હતી. તેમ છતા ડોમ બની જ રહ્યા છે અને આવા ડોમ પર કોઈ કાર્યવાહી થતી નથી તેથી લોકો હેરાન થઈ રહ્યાં છે.