સ્વામી વિવેકાનંદ હાઈટના રહીશોને દસ મહિનાથી પાણીનો કકળાટ : થાળીનાદ કરી તંત્રને જગાડવા પ્રયાસ
Vadodara Water Protest : વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા રોડ દશામા મંદિર પાસે આવેલી સ્વામી વિવેકાનંદ હાઈટ 3 ના રહીશોને છેલ્લા દસ મહિનાથી પીવાનું પાણી મળતું નથી જે અંગે અવારનવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ ઉકેલ નહીં આવતા આજે સ્થાનિક રહીશોએ હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો હતો અને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચાર અને થાળી વેલણથી થાળી નાદ કરી તંત્રને જગાડવા પ્રયાસ કર્યો હતો.
ભાજપ સરકાર વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે ત્યારે સ્વામી વિવેકાનંદ હાઈટસ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવાના રહીશો છેલ્લા 10 મહિનાથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ વહીવટી પાખને જાણ કરી પરંતુ તેઓ દ્વારા પણ કોઈપણ પ્રત્યુતર નહી મળતા સ્થાનિક રહીશોએ હલ્લાબોલનો કાર્યક્રમ યોજી કોર્પોરેશનની બેવડી નીતિનો વિરોધ કર્યો હતો. કોર્પોરેશન દ્વારા નજીકમાંથી જ નવી પાણીની લાઈન નાખવામાં આવી રહી છે છતાં પણ તેમાં આ એપાર્ટમેન્ટના રહીશોને પાણીનું જોડાણ નહીં આપતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. આજે હલ્લાબોલ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક રહીશોએ થાળી અને વેલણનો ઉપયોગ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. કોર્પોરેશનની બેવડી નીતિનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.
આમ આદમી પાર્ટીના આગેવાન વિરેન રામી અને સ્થાનિક રહીશોએ કોર્પોરેશનના તંત્ર પર આક્ષેપ કર્યો હતો કે છેલ્લા દસ મહિનાથી પીવાનું પૂરતું પાણી મળતું નથી છતાં કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆતો કરી છે છતાં પણ પીવાના પાણીનો પ્રશ્ન જે સે થે રહ્યો છે. અમારી સોસાયટીની નજીકમાંથી જ પાણીની લાઈન પસાર થાય છે છતાં પણ તેમાંથી કનેક્શન આપવામાં આવતું નથી. જેથી આજે ના છુટકે થાળી અને વેલણ વડે થાળી નાદ કરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં જો તંત્ર કોઈ ઉકેલ નહીં લાવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.