દોઢ વર્ષ અગાઉ મળતું પાણી હવે કેમ બંધ થઈ ગયું તેમ કહી સયાજીપુરા ટાંકીએ રહીશોનો હોબાળો
Vadodara Water Problem : વડોદરા શહેરનો વિસ્તાર વ્યાપ વધવાથી પીવાના પાણીની વિતરણ વ્યવસ્થામાં પણ કોઈ વધારો થયો નથી ત્યારે શહેરભરમાં પીવાના પાણીની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. સમસ્યાનું કોઈ નિવારણ નથી. રોજે રોજ જુદા-જુદા વિસ્તારમાંથી નિરંતર ફરિયાદો આવતી રહે છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારની સયાજીપુરા પાણીની ટાંકીએ સ્થાનિક રહીશોનું 100થી 150નું ટોળું પહોંચી ગયું હતું. ટાંકીએ માત્ર એક હેલ્પર હાજર મળ્યો હતો.
અધિકારીને મોબાઈલથી ફરિયાદ કરતા હું તમારો પ્રોબ્લેમ જોઈ લઈશ, સવારે આવજો, અત્યારે કોઈ મળશે નહીં જેવા જવાબો સામે છેડેથી આપવામાં આવ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ ભારે આક્રોશ સાથે છેલ્લા દોઢ વર્ષથી પાણી નહીં આવતું હોવા અંગેની ફરિયાદો કરી હતી. સ્થાનિક લોકોને પીવાનું અને ઘર વપરાશનું પાણી મળતું નથી જે દોઢ વર્ષ અગાઉ મળતું હતું હવે કેમ બંધ થઈ ગયું છે તેવા પ્રશ્નો અધિકારીને કર્યા હતા. જ્યારે બીજી બાજુ સયાજીપુરા ટાંકીના કમ્પાઉન્ડમાં
10થી 12જેટલા પાણીના ખાલી ટેન્કરો પડ્યા હતા. જેથી પાણીનો ધંધો ટેન્કરથી કરો છો તો પછી લોકોને પાણી આપવામાં કેમ જોર પડે છે તેવા પણ પ્રશ્નો કર્યા હતા. જોકે સ્થાનિક ટાંકીના કોન્ટ્રાક્ટર મારુતિ ઈલેક્ટ્રીકસના નિતેશ જોશી સામે પણ સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોને નાણાં લઈને રોજિંદા પાણીના ટેન્કરો ફાળવાય છે તો સ્થાનિક લોકોને કેમ આપતા નથી તેવો પ્રશ્ન પણ કર્યો હતો. જો આગામી દિવસોમાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં આવે તો સ્થાનિક લોકોએ ઉગ્ર આંદોલનની પિંકી ઉચ્ચારી હતી. પાણી નહીં મળતા સ્થાનિક રહીશોએ સયાજીપુરાની ટાંકીએ ભારે હોબાળો મચાવ્યો હતો.₹
ટાંકીએ ત્રણ કર્મીઓની હાજરી પરંતુ એક શાક લેવા, બીજો પેટ્રોલ પુરાવા ગયો હતો₹
સયાજીપુરા પાણીની ટાંકીએ રાત્રે સ્થાનિક 150 જેટલા વિફરેલા લોકોનું ટોળું જસી ગયું હતું. જ્યાં તપાસ કરતા માત્ર એક જ હેલ્પર ટાંકીએ હાજર હતો જ્યારે શાકભાજી લેવા એક, અને બીજો પેટ્રોલ પુરાવા ગયો હોવાની ચોકાવનારી વિગતો મળી હતી. આમ ચાલુ નોકરીએ ઘરના કામકાજ પણ કરવામાં આવતા હોવાનું ફરજ પરના સ્થાનિક હેલ્પરે જણાવ્યું હતું