બરાનપુરામાં રાત્રિના સમયે વીજ ખામી સર્જાતા રહીશોએ હોબાળો મચાવ્યો
Image Source: Freepik
ઉનાળો આકરો બનવાની સાથે વાતાવરણમાં બફારો વધી રહ્યો છે. મોડી રાત સુધી ઉનો ઉનો પવન વાય છે. હવે અસહ્ય ઉકળાટના માહોલમાં વીજ તંત્રમાં ખામીઓ સર્જાઈ રહી છે. ગઈકાલે રાત્રે વીજળીના ધાંધિયાથી કંટાળેલા લોકોએ બરાનપુરા વિસ્તારની વીજ કચેરી માથે લીધી હતી.
એક તરફ અસહ્ય ઉકળાટને લીધે પરસેવે નહાવાની સ્થિતિ હતી. તેવા સમયે વીજ પુરવઠો ખોરવાઈ જતાં પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાવર લેસ (વીજ વિક્ષેપ) થવાથી આખો વિસ્તાર જાણે કે પંખા અને એ.સી. બંધ થઈ જતાં પવન લેસ અને પ્રકાશલેસ થઈ ગયો હતો. નાના બાળકો, વૃદ્ધો અને હૃદયરોગ જેવી બિમારીઓથી પીડિત વ્યક્તિઓ માટે સમય પસાર કરવો અઘરો થઈ ગયો હતો. અકળાટ અને ઉકળાટના વાતાવરણમાં વીજ તંત્ર પાસેથી કોઈ ચોક્કસ પ્રતિભાવ ન મળતાં નાગરિકોમાં કકળાટ જાગ્યો હતો અને વીજ કચેરીનો ઘેરો ઘાલ્યો હતો.
હાલમાં છેલ્લા થોડા સમયથી વીજ વાયરો અને ટ્રૅન્સફૉર્મર્સમાં આગ અને ધડાકાના બનાવો વધી ગયેલા વીજ ભારણથી બની રહ્યા છે. તેની સાથે જે તે વિસ્તારમાં કલાકો સુધી વીજ પ્રવાહ ખોરવાઈ જાય છે. માઝા મૂકતી ગરમીમાં વેરણ બનતી વીજળીથી લોક માનસમાં ઉશ્કેરાટ વ્યાપવો સહજ છે. પરિણામે વીજ કર્મચારીઓની દોડાદોડીમાં વ્યાપક વધારો થયો છે. ફાયર બ્રિગેડને પણ વીજ લાઈનમાં ધડાકા સાથે આગની ખબરો ઉપરા છાપરી મળતા એમનું કામ પણ વધી જાય છે. રવિવારની રાત્રે ફાયર વિભાગને શહેરના વિવિધ વિસ્તારોમાંથી લગભગ ૭ જગ્યાઓએ ટ્રાન્સફોર્મર અને વીજ રેષાઓમાં ધડાકા અને આગ તથા તુટફૂટના ખબર લગભગ બે કલાકના સમયમાં મળ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, લોકો નવા નવા વીજ ઉપકરણોનો વપરાશ શરૂ કરી દે છે પરંતુ વીજ જોડાણનો વીજ ભાર એટલો ને એટલો જ રાખે છે. પરિણામે ઉનાળામાં લોડ વધતા ઉપકરણોમાં આગની ઘટનાઓ બને છે. ગઈકાલે રાત્રેના સમયે બરાનપુરા વિસ્તારના ફીડરમાં લાંબો સમય સુધી બીજ પુરવઠો ખોરવાતા તેમના અસરગ્રસ્ત રહીશોએ અહીં ભારે હોબાળો મચાવ્યો હતો.