રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ મોરચો માંડ્યો, જયરાજસિંહ અંગે પણ કરી આ વાત
Lok Sabha Elections 2024: રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે (શુક્રવાર) ગોંડલ ખાતે યોજાયેલી ક્ષત્રિય સમાજની બેઠક લઈને ક્ષત્રિય મહિલા આગેવાનોએ વિરોધ કર્યો હતો. આ બેઠક માટે અમદાવાદથી ગોંડલ પહોંચેલા ગુજરાત ક્ષત્રિય કરણી સેનાનાં મહિલા પ્રદેશ અધ્યક્ષ ગીતાબા પરમાર સહિત પાંચ મહિલાને પોલીસે અટકાવી હતી.
આ કોઈ સમાધાન નથી: ગીતાબા પરમાર
ક્ષત્રિય સમાજની બેઠક અંગે ક્ષત્રિય કરણી સેનાનાં મહિલા પ્રદેશ અધ્યક્ષ ગીતાબા પરમારે કહ્યું હતું કે, આ બેઠક માત્ર ભાજપના રાજકીય આગેવાનો વચ્ચે મળેલી હતી. અમે પહોંચ્યા તો અમને પોલીસે અટકાવી દીધા હતા અને મહિલાઓને એન્ટ્રી નથી એવું કહી અંદર જવા દેવામાં આવ્યા નહોતા. આ કોઈ સમાધાન નથી, જયરાજસિંહના નામની પાછળથી હું સિંહ હટાવું છું અને અન્ય ત્યાં ઉપસ્થિત ભાઈઓ કોઈ આવી ગેરસમજ ભરી વાતો કરશે તો તેમની પાછળથી પણ સિંહ અમે હટાવી દઈશું.'
રૂપાલાએ ગોંડલના સંમેલનમાં માફી માગી હતી
કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની મુશ્કેલી ઓછી થઈ રહી નથી. તેમણે શુક્રવારે ગોંડલના શેમળા ગામે ક્ષત્રિય સમાજના સંમેલનમાં કે જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો અને વિવિધ હોદ્દેદારો તેમજ સંગઠનોના આગોવાનો હાજર હતા ત્યાં જાહેર મંચ પરથી હાથ જોડી માફી માગીને ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સંમેલન પછી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સર્વસંમતિથી સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સીધા જ ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર એવા ગધેથડ ગાયત્રી આશ્રમ જઈ લાલબાપુને મળીને આશિર્વાદ મેળવ્યા હતા. જો કે તેમ છતાં પણ ક્ષત્રિય સમાજમાં રૂપાલાના નિવેદનને લઈને રોષ યથાવત છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટ કોર્ટમાં રૂપાલા સામે ફરિયાદ નોંધાવાયા બાદ આજે ગઢડા જ્યુ.મેજિ.ની કોર્ટમાં નં. 12- 24થી પરશોત્તમ રૂપાલા સામે જયવંતસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવ્યાનું જાહેર કરાયું છે.