વડોદરામાં લાલબાગ-વિશ્વામિત્રી બ્રિજ નીચે 48 કલાકમાં બીજા મહાકાય મગરનું રેસ્ક્યુ
Vadodara Crocodile Rescue : વડોદરામાં વાહનોથી ધમધમતા લાલબાગ વિશ્વામિત્ર બ્રિજની નીચેથી સતત બીજા દિવસે બીજા એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ગઈકાલે જ લાલબાગ બ્રિજ નીચે દોડધામ મચાવતા સાડા સાત ફૂટના મગર રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેને પગલે લોકોના ટોળા જામતા થોડીવાર માટે વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી.
ઉપરોક્ત બનાવ બાદ ગઈકાલે મધરાતે આઠ ફૂટનો એક મગર બ્રિજ નીચે આવી જતા ત્યાં રહેતા શ્રમજીવીઓમાં નાસભાગ મચી હતી. બનાવની જાણ થતા મકરપુરા જીઆઇડીસી વિસ્તારના જીવદયા કાર્યકર જયેશ પટેલ ટીમ સાથે આવી ગયા હતા અને અડધો કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.
જયેશભાઈનું કહેવું છે કે, વિશ્વામિત્રી નદી અને કાશી વિશ્વનાથ તળાવ વચ્ચે મગરનો વર્ષોથી રૂટ આવેલો છે. હાલમાં બ્રિજ બનવાથી અવરજવર વધી જતા મગરો તરત નજરે પડી રહ્યા છે. ગઈ રાતે પકડાયેલા મગરને પણ કોઈ આંચ ન આવે તે રીતે રેસ્ક્યુ કર્યું હતું.