વડોદરામાં અક્ષયપાત્ર સંસ્થાના કોન્ટ્રાક્ટરે 170 કર્મીઓને નોકરી પર નહીં રાખતા કલેક્ટરને રજૂઆત
Vadodara : વડોદરા શહેરના સૌથી મોટા રસોડા અક્ષયપાત્ર સંસ્થાના કોન્ટ્રાક્ટરે કોઈ પણ કારણ દર્શાવ્યા વિના 170 જેટલા પરિવારોના રસોડાનો અગ્નિ ઓલવી નાખ્યો છે. આ સંસ્થા દ્વારા પાદરા સહિત આસપાસના ગામડાઓની સરકારી શાળાઓમાં બાળકોને કાયમી ધોરણે ભોજન પીરસે છે. સંસ્થામાં વર્ષોથી કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા 170 કર્મચારીઓને એકાએક છુટા કરી દેતા બેકાર મહિલાઓ સહિત તમામ કર્મચારીઓ મૂંઝવણમાં મુકાતા કલેકટર કચેરીએ રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે સાહેબ જિલ્લાના સૌથી મોટુ રસોડું ગણાતા અક્ષયપાત્ર સંસ્થામાં અસંખ્ય કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે. આ તમામ કર્મચારીઓને દિવાળી-નવા વર્ષના ટાણે બોનસ ન આપવું પડે એવા ઇરાદે તહેવારો અગાઉ તેમને વેકેશનના બહાને છુટા કરી દેવાય છે. મોટાભાગે પ્રતિવર્ષ બદલાતા કોન્ટ્રાક્ટર નવા વર્ષે કેટલા કર્મચારીઓને ફરી એકવાર કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરીએ રાખે છે અને પોતાના હકની માગણી કરનાર અન્યોને નોકરીએ લેવામાં આવતા નહિ હોવાના આક્ષેપો છુટા કરાયેલા કર્મચારીઓએ કર્યા છે. સંસ્થામાં રજૂઆત અંગે પ્રવેશ માટે જનારા આવા કર્મચારીઓને સંસ્થાના દરવાજે રાખેલા સિક્યુરિટી ગાર્ડ સંસ્થામાં પ્રવેશ કરવા દેતા નથી. છુટા કરાયેલા તમામ કર્મચારીઓને તેમના પરિવારનું ભરણપોષણ કરવા માટે ફાંફાં પડી રહ્યા છે. પરિવારના ભરણપોષણની જવાબદારી થી ચિંતિત છુટા કરાયેલા તમામ કર્મચારીઓ સામાજિક કાર્યકર કમલેશ પરમારના નેજા હેઠળ સંસ્થા વિરુદ્ધ રજૂઆત કરવા અને નોકરી પર પરત લેવા બાબતે તથા પોતપોતાના હકકો માટે કલેકટર કચેરીએ રજૂઆત કરી હતી.