વડોદરા: કાર ચાલકે અકસ્માત કરી પાણીની મુખ્ય લાઈનનો એર વાલ્વ તોડી નાખતા કોર્પોરેશન દ્વારા મોડી રાત્રે રીપેરીંગ કામ પૂર્ણ કરાયું
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં 15 દિવસ બાદ ફરી એકવાર ભર ઉનાળે પાણીની રામાયણ ઊભી થઈ છે. ગઈકાલે સવારે એક કાર ચાલકની બેદરકારીથી આજવા સરોવરથી આવતી પાણીની 1500 એમએમ ડાયામીટરની લાઈનના એર વાલ્વ ને અકસ્માત કરી તોડી નાખતા આ રામાયણ ઊભી થઈ છે. જો કે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક રીપેરીંગ કામ શરૂ કરવામાં આવતા રવિવારની મોડી રાત્રે રીપેરીંગ કામ પૂર્ણ થયું છે. આ કામગીરી પૂરી થયા બાદ લાઈન પાણીથી ચાર્જ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. લાઈન ચાર્જ થતાં છ કલાક જેટલો સમય લાગે છે. જોકે ચાર્જ થવામાં પણ વિલંબ થઈ રહ્યો છે, એટલે હજુ બે ત્રણ દિવસ સુધી સંપમાં પાણીનું લેવલ પૂરતું નહીં થાય અને લોકોને લો પ્રેસર થી પાણી મળવાની સાથે પાણીની અછત નો સામનો કરવો પડશે તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે.
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાનું પાણી આજવા સરોવર થી આપવામાં આવે છે. આજવા સરોવરથી પાણી નજીકમાં આવેલા નિમેટા પાણી શુદ્ધિકરણ મથક પર પહોંચાડવામાં આવે છે. જ્યાંથી પાણી ફીડર લાઈન દ્વારા પૂર્વ વિસ્તારમાં અપાય છે. આ ફીડર લાઈન ચંપાલીયાપુરા ગામ પાસેથી પસાર થાય છે. જ્યાં ગઈકાલે સવારે એક કાર ચાલકે અકસ્માત કરતા લાઈન પરનો એર વાલ્વ તૂટી ગયો હતો. જેથી પાણીની રેલમછેલ થઈ હતી અને બાદમાં લાઈન તાત્કાલિક બંધ કરી હતી. આના કારણે પૂર્વ વિસ્તારમાં જ્યાં પાણી મળે છે તે પાણીની ટાંકીઓ જેવી કે પાણીગેટ ટાંકી, બાપોદ ટાંકી, નાલંદા ટાંકી, ગાજરાવાડી ટાંકી, દંતેશ્વર બુસ્ટર, મહાનગર, સોમા તળાવ, મહેશનગર, નંદધામ અને સંખેડા દશાલાડ ભવન બુસ્ટર, સયાજીપુરા ટાંકી ( આંશિક), આજવા ટાંકી ( આંશિક) અને કપુરાઇ ટાંકી (આંશિક) તથા લાલબાગ ટાંકી( આંશિક) પરથી આજ સવારનું પાણી આપી શકાયું ન હતું .જેના લીધે ઉનાળામાં આશરે ચાર લાખ લોકોને પાણીની તકલીફો વેઠવાનો વારો આવ્યો હતો. લોકોને પાણી બહારથી વેચાતું લાવીને અને ટેન્કરોના સહારે પાણી મેળવી ચલાવવું પડ્યું હતું. લાઈન ચાર્જ થતાં આજે સાંજથી વિસ્તારના સાંજના ઝોનમાં પાણી ઓછા સમય માટે અને લો પ્રેશરથી મળશે તેમ કોર્પોરેશન જણાવી રહ્યું છે.