Get The App

હરિયાલમાં કાકરાપાર નહેરમાં પડેલા ભંગાણનું યુદ્ધના ધોરણે સમારકામ

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
હરિયાલમાં કાકરાપાર નહેરમાં પડેલા ભંગાણનું યુદ્ધના ધોરણે સમારકામ 1 - image


- ડ્રેનેજ સાઇફન તુટતા 24 કલાકમાં રીપેર કરી નહેર ચાલુ કરાતા હજીરા, ઓલપાડ માઇનોરમાં પાણી મળતું થશે

        સુરત

માંડવીના હરિયાલ ગામ નજીક પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલનું અચાનક ડ્રેનેજ સાઇફન તુટતા ભંંગાણ પડયું હતું. સિંચાઇ વિભાગે યુધ્ધના ધોરણે રીપેરીંગ કામ કરી નહેર ચાલુ કરી દેતાં  ખેડૂતોને સમયસર સિંચાઇના પાણી મળી રહેશે.

આ વર્ષે મેઘરાજા મહેરબાન થયા હોવાથી ઉકાઇ ડેમ છલોછલ ભરાતા ખેડૂતોને સરળતાથી પાણી મળી રહેશે. અને નિયમ મુજબ રોટેશનો પણ નક્કી થયા છે. ખેડૂતોેના ખેતરોમાં પાણી પણ સરળતાથી મળી રહ્યા છે ત્યારે શનિવારે સવારે માંડવી-કીમ રોડ પર આવેલા કરંજ નજીકના હરિયાલ ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલના ડ્રેનેજ સાઇફનમાં ભંગાણ પડયું હતું. અને નજીકના ખેતરોમાં પાણી વહેવાનું શરૃ થતા કાર્યપાલક ઇજનેર સતિષ પટેલને જાણ થતાં તત્કાળ ટીમના નાયબ કાર્યપાલક ઇજનેર મેહુલ બોઘરા અને ટીમને દોડાવી કેનાલમાં પાણી બંધ કરાવી દીધું હતું. અને ભંગાણ રીપેરીંગ કરવા માટે કવાયત હાથ ધરી હતી. છેલ્લા ૨૪ કલાકમાં ટીમે જેસીબી મશીન અને મેન પાવર દ્વારા રીપેરીગ કામગીરી સતત ચાલુ રાખીને પૂર્ણ કરીને નહેર ફરીથી શરૃ કરી છે.

આ અંગે કાર્યપાલક ઇજનેર સતિષ પટેલના જણાવ્યા મુજબ કામગીરી પૂર્ણ થતા જ આજથી ફરી રાબેતા મુજબ હજીરા, ઓલપાડ માઇનોરમાં પાણી મળતું થઇ જશે. 


Google NewsGoogle News