આજના ડીજીટલ પેમેન્ટના યુગમાં સુરતમાં 500 વર્ષ કરતાં વધુ જુના મંદિરમાં સવા રૂપિયાની બોલબાલા, ભક્તો પાણી ભરેલો ઘડો મૂકીને રાખે છે માનતા
Bhari Mata Temple Surat : સુરત સહિત સમગ્ર ભારતમાં અનેક મંદિરો એવા છે જે પોતાની માન્યતાને પગલે ભક્તોમાં રહેલી આસ્થાના કારણે જાણીતા બન્યા છે. આવી જ એક માન્યતા સાથે સુરતના ભરીમાતા વિસ્તારનું એક મંદિર છેલ્લા 500 વર્ષથી ભક્તોની આસ્થાનું પ્રતિક બની રહ્યું છે. હિન્દુઓના નવા મહિનો કારતક માસથી શરૂ થાય છે વર્ષો પહેલા શરૂ થયેલા બરકતી પૈસાની પ્રથા આજે પણ યથાવત જોવા મળે છે. આજના ડીજીટલ પેમેન્ટના યુગમાં સુરતના આ મંદિરમાં સવા રૂપિયાની બોલબાલા જોવા મળી રહી છે. મૂળ સુરતી ગણાતી જ્ઞાતિઓ સાથે મહારાષ્ટ્રીયન લોકો માટે પણ કારતક મહિનામાં ભરી માતા મંદિર સુરતીઓની આસ્થાનું કેન્દ્ર બની જાય છે. ભક્તો પાણી ભરેલો ઘડો મૂકીને પોતાની માનતા રાખે છે, પરિવાર હર્યોભર્યો રહે તે માટે મહિલાઓ મોટી સંખ્યામાં પૂજા માટે આવે છે
ડીજીટલ ઈન્ડિયા સાથે સુરતમાં હાલ લારીવાળાઓથી માંડીને મોલ સુધી ડીજીટલ પેમેન્ટ થઈ રહ્યાં છે. આ ડીજીટલ પેમેન્ટ બોલબાલા સાથે હવે પરચુરણ પ્રથા લુપ્ત થઈ રહી છે તેમાં પણ સરકારે એક રૂપિયાથી નીચે નું ચલણ રદ્દ કરી દીધું છે પરંતુ આજે પણ કારકત મહિનામાં સુરતમાં પાવલી (પચ્ચીસ પૈસા) અનેક લોકો શોધતા નજરે પડે છે. મૂળ સુરતીઓ ગણાતી જ્ઞાતિ પચ્ચીસ પૈસા શોધવા પાછળનું કારણ ભરીમાતા વિસ્તારમાં આવેલું ભરી માતાનું મંદિર છે. 500 વર્ષ જેટલા પૌરાણિક એવા ભરીમાતા-પુરી માતાના મંદિરે કાતરક માસમાં સુરતીઓના આસ્થાનું કેન્દ્ર બની જાય છે. આ મંદિરે વર્ષોથી કારતક સુદ બીજથી કારતક વદ અમાસ સુધી પાણી ભરેલા ઘડા મુકવાની પરંપરા ચાલી આવી છે. જેના કારણે હાલ ચાલી રહેલા કાતરક માસમાં આ મંદિર શ્રધ્ધાળુ સુરતીઓથી ઉભરાઈ રહ્યું છે.
મંદિરના પૂજારી મેહુલ મહારાજ કહે છે, વર્ષોથી આ મંદિરેથી બરકતી સવા રૂપિયાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. હાલ ચલણમાં 25 પૈસા ચાલતા નથી પરંતુ ભક્તોના દિલમાં આ બરકતી સવા રૂપિયા અંગે ભારે શ્રધ્ધા છે તેથી ચલણમાં ન હોવા છતાં શ્રદ્ધાળુઓ શોધી શોધીને 25 પૈસાનો સિક્કો લાવે છે. આ સિક્કા સાથે એક રૂપિયા રાખીને સવા રૂપિયો માતાજીને ધરાવે છે અને તેની પૂજા કર્યા બાદ આ સવા રૂપિયો બરકત બની જાય છે અને તે પૈસા લોકો પોતાની તિજોરીમાં રાખે છે અને તેના કારણે બરકત થાય છે તેવી ભક્તોની માન્યતા છે.
આ ઉપરાંત વર્ષોથી મૂળ સુરતી ગણાતા મોઢ વણિક, ક્ષત્રિય અને રાણા સહિત અન્ય સુરતી જ્ઞાતિના લોકો સાથે કેટલાક મહારાષ્ટ્રીયન લોકો પણ કારતક મહિનામાં માતાજીના મંદિરે ભરેલો ઘડો મુકી માતાજીની આરાધના કરે છે. લોકો પાણી ભરેલા ઘડાને લઈને મંદિરે આવે છે અને તેની પુજા કરે છે ત્યારબાદ પાણીનો ઘડો લઈને પ્રદક્ષિણા કરે છે. માતાજીના આર્શિવાદ એવા મળે છે કે જેમ પાણીનો ઘડો જેમ ભરેલો હોય છે તેમ પૂજા કરનારા ભક્તનો પરિવાર હંમેશા હર્યોભર્યો રહે છે તેવી માન્યતા છે. આ મહિનામાં હજારો ભક્તો આવે છે અને માતાજીની આરાધના કરે છે.
જે લોકોના લગ્ન ન થતા હોય તેવા લોકો અહીં માનતા રાખે છે અને તેમની માનતા પુરી થતાં તેઓ માતાજી ના આર્શીવાદ લેવા માટે આવે છે. આવી જ રીતે જે લોકોને સંતાન ન થતા હોય તેવા કપલ અહીં સાત રવિવાર ભરવા ની માનતા લે છે અને અહીંથી તેમને દેશી ગુલાબનો પ્રસાદ આપવામાં આવે છે.
ભરી માતા અને પુરી માતા બે બહેનો છે
સુરતના ભરી માતા વિસ્તારમાં આવેલા ભરી માતા પુરી માતાના મંદિરમાં બે માતાજીની પ્રતિમા છે 500 પહેલા કોઈને સપનું આવ્યું હતું. તાપી નદીમાં ભરી માતાજીની પ્રતિમા છે તેને વર્ષો પહેલા વડ નીચે સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી સપનું આવ્યું અને તેમાં કહેવાયું મારી બહેન પુરી માતા પણ છ. આ બંને માતાની પ્રતિમા લઈને મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી આ પ્રકારની પૂજા શ્રદ્ધાળુઓ શ્રદ્ધા પૂર્વક કરી રહ્યા છે.
દેવ દિવાળીના દિવસે ભરી માતાની સાલગીરીએ અનેક કાર્યક્રમોનું આયોજન
સુરતમાંથી પસાર થતી તાપી નદીના કિનારે આવેલા ભરી માતા મંદિરની સાલગીરી દેવ દિવાળીના દિવસે છે. આ મંદિર આ વિસ્તારના લોકો સાથે અનેક સુરતીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહે છે તેથી દેવ દિવાળી ના રોજ મંદિરની સાલગીરી માટે ભરી માતા યુવક મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાપ્રસાદી, હવન પુજા સાથે મહાપ્રસાદી અને ભજન સંધ્યા નું પણ આયોજન કરવામા આવ્યું છે.