વડોદરામાં દોડકા ખાતે પાણીની લાઈન લીકેઝનું સમારકામ નિર્ધારિત સમય કરતા વહેલા પૂર્ણ થતા લોકોને રાહત
Vadodara : દોડકા ફ્રેંચવેલ નજીક પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયું હોય કોર્પોરેશનના કર્મીઓએ સતત 15 કલાક સુધી ખડેપગે રહી કામગીરી નિર્ધારિત સમય કરતા વહેલી પૂર્ણ કરી હતી.
શહેરને પીવાનું પાણી પહોંચાડતી દોડકા ફ્રેંચવેલની મુખ્ય લાઈનમાં ગતરોજ ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય કોર્પોરેશને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી હતી. રવિવારે રાત્રે 11 કલાકે શરૂ થયેલ કામગીરી સોમવારે બપોરે 2 વાગ્યે પૂર્ણ થઈ હતી. પાણીની લાઈનમાં ક્રેક હોય વેલ્ડીંગ કરી લીકેજ બંધ કર્યું હતું. સતત 15 કલાક સુધી ખડેપગે રહી કોર્પોરેશનના કર્મીઓએ કામગીરી નિર્ધારિત સમય કરતા વહેલા પૂર્ણ કરી પાણી પુરવઠો પૂર્વવત કર્યો હતો. શહેરનાં પૂર્વ, ઉત્તર તથા દક્ષિણ વિસ્તારનાં પાણી વિતરણ કરતા મથકો ખાતેથી સોમવારે સવારે અને સાંજના ઝોનમાં પાણી કાપ મુકાયો હતો. અને કામગીરી પૂર્ણ થયા બાદ મંગળવારે પાણી વિતરણ હળવા દબાણથી ઓછા પ્રમાણમાં વિતરણ કરાશે તેમ જણાવ્યું હતું. પરંતુ, કામગીરી વહેલી પૂર્ણ થતા કેટલાક વિતરણ મથકો ખાતેથી સાંજે પાણી વિતરણ કરાયું હતું.