યુવતી સાથે અવાર - નવાર શારીરિક સંબંધ બાંધી તરછોડી દીધી
યુવતી પ્રેગ્નન્ટ થતા ગર્ભપાતની ગોળીઓ ખવડાવી દીધી : બંનેના અગાઉ પણ છૂટાછેડા થયા હતા
વડોદરા,લગ્નનું વચન આપીને યુવતી સાથે અવાર - નવાર શારીરિક સંબંધ બાંધ્યા પછી લગ્ન નહીં કરી તરછોડી દેનાર યુવક સામે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
તરસાલી વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી ૩૩ વર્ષની યુવતીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગત તા. ૮ મી એ રૃષી ઉર્ફે રવિ ભરતભાઇ ગાંધી (રહે. રાધા પાર્ક સોસાયટી, કલા દર્શન ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ) સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી માતાની બહેનપણી મારફતે વાત આવતા ગત તા. ૨૫ - ૦૮ - ૨૦૨૪ ના રોજ હું મારી માતા સાથે રૃષી ગાંધીના ઘરે ગયા હતા. જ્યાં મારા અને રૃષીના અગાઉના લગ્ન અને છૂટાછેડાની વાત થઇ હતી. ત્યારબાદ અમારી વચ્ચે સોશિયલ મીડિયા થકી વાતચીત થતી હતી. વાર તહેવારે પણ અમે મળતા હતા. ગત દિવાળીમાં ધનતેરસના દિવસે હું રૃષીના ઘરે ગઇ હતી. તે સમયે તેના ઘરે કોઇ નહતું. હું તારી સાથે લગ્ન કરવાનો જ છું. તેવું કહીને રૃષીએ મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. સગાઇ પછી પણ તેને મારી સાથે અવાર - નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. મને ગર્ભ રહેતા રૃષીએ ગોળીઓ આપી ગર્ભપાત કરાવી દીધો હતો. ગત ૧૧ મી ફેબુ્રઆરીએ હું, મારી માતા, રૃષી અને તેની માતા કુંભ મેળામાં ગયા હતા.તે દરમિયાન તેઓ મારી સાથે સરખી વાત કરતા નહતા અને તે દિવસે જ તેઓએ લગ્નની ના પાડી દીધી હતી. આ કેસમાં અગાઉ અરજી થઇ હતી. ત્યારે રૃષીએ આગોતરા જામીન અરજી મૂકી હતી. ત્યારબાદ ગુનો દાખલ થયો હતો. આગોતરા જામીન મંજૂર થતા પોલીસે રૃષીની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યો હતો. રૃષીના પિતા રાવપુરામાં ફાર્માસ્યુટિકલનો બિઝનેસ કરે છે. રૃષી પણ તેના પિતા સાથે બિઝનેસ કરે છે.