લીંબડી-ધામા રૂટની એસટી બસ પ્રાયોગીક રૂટમાંથી નિયમીત શરૂ કરાતા મુસાફરોમાં આનંદ
- પ્રાયોગીક રૂટના કારણે નોકરીયાતો, ધંધાર્થીઓ સહિત દર્શનાર્થીઓને મુશ્કેલી પડી રહી હતી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના એસટી ડેપોમાંથી અલગ-અલગ રૂટની એસટી બસો ચાલે છે જેમાં વિદ્યાર્થીઓ સહિત નોકરીયાતો અને મુસાફરો નિયમીત મુસાફરી કરી રહ્યાં છે ત્યારે લીંબડી-ધામા રૂટની એસટી બસ છેલ્લા ઘણા સમયથી પ્રાયોગીક રૂટ પર ચાલતી હતી જેના કારણે અપ-ડાઉન કરતા લોકો સહિત દર્શનાર્થીઓને મુશ્કેલી પડી રહી હતી. જે અંગે એસટી સલાહકાર સમિતિના આગેવાનોને રજુઆત કરતા રૂટને કાયમી શેડયુલમાં લેવડાવી નિયત સમયે અને રેગ્યુલર રૂટ શરૂ કરતા મુસાફરોને રાહત મળી છે.
આ અંગે મળતી માહિતી મુજબ લીંબડી-ધામા રૂટની એસટી બસ પ્રાયોગીક ધોરણે ચાલતી હતી જેને કારણે આ બસમાં અપ-ડાઉન કરતા અંદાજે ૨૫ થી વધુ નોકરીયાતો, ધંધાર્થીઓ સહિતનાઓને હાલાકી પડી રહી હતી તેમજ ધામા ખાતે આવેલ શક્તિ માતાજીના મંદિરે પણ પુનમ સહિત નિયમીત દર્શનાર્થીઓની ભીડ રહેતી હોય છે ત્યારે પ્રાયોગીક રૂટના કારણે દર્શનાર્થીઓને પણ મુશ્કેલી પડી રહી હતી. પ્રાયોગીક ધોરણે રૂટ હોવાથી એસટી બસ અનિયમીત અને ચોક્કસ સમય વગર ચાલતા અનેક લોકોને હાલાકી પડી રહી હતી જે અંગે એસટી સલાહકાર સમિતિના આગેવાનોને રજુઆત કરતા બેઠકમાં આ પ્રશ્ન લેવામાં આવ્યો હતો અને સ્થાનીક રાજકીય આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો સહિતનાઓ સાથે સંકલન કરી પ્રાયોગીક રૂટમાંથી લીંબડી-ધામા એસટી બસને કાયમી શેડયુલમાં લેવડાવતા હવેથી આ બસ નિયમીત લીંબડીથી સવારે ૭-૦૦ વાગ્યે ઉપડી સુરેન્દ્રનગર ૮-૦૦ વાગ્યે પહોંચશે અને ત્યારબાદ ધામા જશે તેમજ બપોરે ૧-૩૦ વાગ્યે લીંબડીથી ઉપડી બપોરે ૨-૩૦ કલાકે સુરેન્દ્રનગર પહોંચશે અને ત્યારબાદ ધામા જશે. આથી મુસાફરો સહિત દર્શનાર્થીઓને પડતી હાલાકીનો અંત આવતા રાહત અનુભવી હતી.