વડોદરા કોર્પોરેશનના આરોગ્ય ખાતા માટે 554 હેલ્થ વર્કરની ભરતી માટે મળેલી 9922 અરજીઓમાંથી 427 રીજેક્ટ
- રિજેક્શનમાં કોઈ ઉમેદવારને વાંધો હોય તો ત્રણ દિવસમાં સુધારો કરાવી શકાશે
વડોદરા, તા. 14 ડિસેમ્બર 2023, ગુરૂવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 11 મહિનાના કરાર આધારિત હંગામી ધોરણે 554 વર્કરની ભરતી કરવા માટે ઓનલાઇન અરજીઓ મગાવી હતી. જેમાંથી 427 અરજી રિજેક્ટ કરવામાં આવી છે. જે અરજીઓ શૈક્ષણિક લાયકાત અથવા અધૂરી વિગતો ના કારણે રિજેક્ટ કરાઈ છે, તેમાં પબ્લિક હેલ્થ વર્કરની 151 અને ફિલ્ડ વર્કરની 276 અરજી નો સમાવેશ થાય છે. કોર્પોરેશન દ્વારા અગાઉ 554 જગ્યા માટે ઓનલાઇન અરજીઓ તારીખ 30 નવેમ્બર સુધી મગાવી હતી. જેમાં 9922 અરજીઓ મળી હતી. જે 554 જગ્યા ભરવાની છે તેમાં 106 પબ્લિક હેલ્થ વર્કર માટે 4,474 અને 448 પુરુષ ફિલ્ડ વર્કર માટે 5448 અરજીઓ મળી હતી.
જોકે ગયા વર્ષની સરખામણીએ આ વખતે ગેરલાયક ઠરેલા ઉમેદવારોની સંખ્યા ઓછી છે. ગયા વર્ષે આટલી જ જગ્યા માટે 12,804 અરજી મળી હતી ,અને તેમાંથી 6,715 અરજીઓ ગેરલાભ ઠરી હતી. વાહક જન્ય રોગ નિયંત્રણ અને પાણીજન્ય રોગ નિયંત્રણ ક્ષેત્રીય કામગીરી માટે 554 વર્કરની કરાર આધારિત જે ભરતી કરવાની છે, તેમાં ઓનલાઇન અરજીઓ નું મૂલ્યાંકન કરીને ગેરલાયક ઠરેલા ઉમેદવારો ની યાદી આજરોજ કોર્પોરેશનની વેબસાઈટ પર મૂકી દેવામાં આવી છે. રિજેક્શન લિસ્ટ માં કોઈને વાંધો હોય તો ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈને ત્રણ દિવસમાં ડેપ્યુટી હેલ્થ ઓફિસર, સેન્ટ્રલ ઝોનની કચેરી એ મળવા સૂચના આપવામાં આવી છે. ત્રણ દિવસ દરમિયાન જે કોઈની અરજીમાં સુધારો વધારો હશે તે કરી આપવામાં આવશે. પબ્લિક હેલ્થ વર્કર માટે શૈક્ષણિક લાયકાતમાં સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ હોવો જરૂરી છે, જ્યારે ફિલ્ડ વર્કર માટે ધોરણ આઠ પાસ જરૂરી છે.
ત્રણ દિવસ બાદ તમામ અરજીઓનું મૂલ્યાંકન કરીને પ્રોવિઝન લિસ્ટ બહાર પાડવામાં આવશે, અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાશે. એ પછી ફાઇનલ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે . જે ઉમેદવારો સિલેક્ટ થશે તેઓ ની કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે જરૂરિયાત મુજબ ફાળવણી કરાશે. આ હેલ્થ વર્કરો વાહક જન્ય અને પાણીજન્ય રોગ નિયંત્રણની કામગીરી માટે ઘરે ઘરે જઈને દવાનો છંટકાવ, ફોગિંગ કરવું, સર્વે કરવો, સેમ્પલો લેવા, ફીવરનો સર્વે કરવો વગેરેની કામગીરી કરશે.