સરકારી કર્મચારીઓની ‘કર્મયોગી’ એપ્લિકેશન પર નોંધણી ફરજિયાત, નહીંતર પગાર નહી મળે
Registration On Karmayogi Application : નવ વર્ષ પહેલા રાજીનામું આપ્યું હોવા છતાં આપના નેતા ગોપાલ ઇટાલિયાને પોલીસ વિભાગે હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશનની ભલામણ કરતી યાદીમાં સ્થાન આપી દીધુ હતું. આ ઘટનાએ પોલીસતંત્રની લાલિયાવાડી છતી કરી હતી. સાથે સાથે સોશિયલ મિડીયામાં સરકારની ખૂબ ટીકાઓ થઇ હતી. ઇટાલિયાની ઘટના બાદ સરકાર જાણે ઊંઘમાંથી સફાળી જાગી હતી. હવે સરકારી અધિકારી અને કર્મચારીઓએ કર્મયોગી એપ્લિકેશન પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
કર્મચારીઓની સેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ માહિતી મળી રહે તે માટે સરકારે રહી રહીને આ નિર્ણય લેવો પડ્યો છે. રાજ્ય સરકારે બુધવારે પરિપત્ર બહાર પાડી આદેશ કર્યો છે કે, ગુજરાતના તમામ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓએ કર્મયોગી નામની સરકારી એપ્લિકેશન ઉપર ફરજિયાત નોંધણી કરવી પડશે.
સરકારે આદેશ કર્યો છે કે એકાદ મહિનામાં જ રજિસ્ટ્રેશનની કામગીરી આટોપી લેવી પડશે. આ ઉપરાંત સબંધિત કચેરીના વડાઓએ પણ કર્મચારીઓના રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર આપવું પડશે, નહીંતર પગાર નહી ચૂકવાય.