Get The App

ખ્યાતિ હોસ્પિટલ કાંડ પછી સરકાર સફાળી જાગી, હવે કાયદાનો કડક અમલ કરાવવાનું નાટક

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
ખ્યાતિ હોસ્પિટલ કાંડ પછી સરકાર સફાળી જાગી, હવે કાયદાનો કડક અમલ કરાવવાનું નાટક 1 - image


New law in Gujarat: ગુજરાતમાં સર્જાયેલા ખ્યાતિ હોસ્પિટલ કાંડ પછી રાજ્ય સરકાર સફાળી જાગી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં 30 ડિસેમ્બરે ગાંધીનગરમાં સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. આ બેઠક પછી રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, ગુજરાતમાં તમામ હોસ્પિટલોએ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એટલું જ નહીં, આ કાયદાનો કડક અમલ થશે. નકલી મેડિકલ પ્રેક્ટિશનરો અને ઊંટવૈદ્યો પર પણ સકંજો કસાશે. તો સવાલ એ છે કે, અત્યાર સુધી આરોગ્ય કાયદાનો કડક અમલ નહોતો થતો? શું અત્યાર સુધી હોસ્પિટલોના રજિસ્ટ્રેશનમાં ધુપ્પલ ચાલતું હતું? માંડલ અંધાપા કાંડ હોય, મોરબી પુલ દુર્ઘટના હોય, સુરત-રાજકોટની આગ દુર્ઘટના હોય કે વડોદરાનો બોટ કાંડ. આખરે કોઈ પર્દાફાશ થાય કે હોબાળો થઈ જાય ત્યારે જ સરકાર કેમ જાગે છે? ટૂંકમાં વાત એમ છે કે, આ બધું દેખાડા કે નાટકથી વિશેષ કંઈ નથી.  

સ્ટેટ કાઉન્સિલની બેઠકમાં વાતોના વડા  

આ બેઠકમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઇઓ, આ અધિનિયમ હેઠળ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઇ રહેલ હોસ્પિટલના રજિસ્ટ્રેશન સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરાઇ હતી. આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, ‘12મી માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલ્સ એ આ અધિનિયિમ હેઠળ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું છે. યોગ્ય સમયગાળામાં રજિસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્ય સંસ્થાઓ સામે નાણાકીય કાર્યવાહી ઉપરાંત કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે.’ એટલે કે આવો દાવો કરાયો.

આ બેઠક પછી સરકારને જ્ઞાન લાદ્યું છે કે, રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્‍ટની ડિજિટલ રજિસ્ટ્રી સ્થાપિત કરવી ખૂબ જ જરૂરી છે. રજિસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરીને અયોગ્ય પ્રેક્ટિશનરો દ્વારા ઊંટવૈદું રોકી શકાશે.  આ અધિનિયમના કડક અમલને પગલે પરિણામે ઉપચાર પદ્ધતિ પર અસરકારક નિયમન તશે તેમજ  હિતધારક ભાગીદારી અને ઉપચાર પદ્ધતિઓ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધરશે. કાયદા હેઠળ નોંધણી ફરજિયાત છે અને માન્ય તબીબી પદ્ધતિઓ માટે જ મંજૂર છે. જે તાત્કાલિક આરોગ્ય પરિસ્થિતિઓમાં વધુ સારા સંચાલન અને નોંધણીમાં સુધારો લાવશે. આશા છે કે, સરકાર વિચારે છે એવું થાય પણ ખરું. 

અત્યાર સુધી માત્ર 5534 આરોગ્ય સંસ્થાનું રજિસ્ટ્રેશન 

આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્ર્સ્ટ સંચાલિત સંસ્થાઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ક્લિનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત છે. એલોપથી, આયુર્વેદિક, હોમિયોપથી, સિદ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું. 28 નવેમ્બર 2024 ની સ્થિતિએ રાજ્યની 5534 આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ આંકડા પરથી સમજી શકાય છે કે, રાજ્યમાં કેટલી બધી સંસ્થાઓ રજિસ્ટ્રેશન કરાવ્યા વિના ધમધમી રહી છે. 

10 હજારથી 5 લાખ સુધીના દંડની જોગવાઇ

રાજ્યમાં રજિસ્ટર્ડ સંસ્થાઓમાં 2328 સરકારી છે, જ્યારે 3015 ખાનગી છે. આ પૈકી 4018 એલોપથી, 185 આયુષ હોસ્પ્ટિલ્સ, 437 હોમિયોપથી , 77 ડેન્ટલ ક્લિનિક, 108 ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલનો છે. 50થી ઓછી પથારી ધરાવતી 4601 અને 50થી વધુ પથારી ધરાવતી 322  હોસ્પિટલ્સે અત્યાર સુધી આ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. આ એક્ટ હેઠળ ક્લિનિક/કન્સલ્ટિંગ રૂમ/પોલિક્લિનિક ઉપરાંત 15 બેડથી લઇ 100થી વધુ પથારી ધરાવતી હોસ્પિટલોમાં બેડ પ્રમાણે તબક્કાવાર નોંધણી તેમજ સ્ટેન્ડ અલોન લેબ/ અન્ય ડાયગ્નોસ્ટિક યુનિટમાં પણ નિયત ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે. 

આમ, ઉપર દર્શાવેલી તમામ કેટેગરીની આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ / કાયમી ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રો લેવા ફરજિયાત છે. પ્રમાણપત્ર વિના કાર્યરત આમાંથી કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે રૂ.10 હજાર થી 5 લાખ સુધીના દંડની જોગવાઇ છે. આ અધિનિયમની કોઈપણ જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર, વ્યક્તિ/સંસ્થાને પ્રથમ ગુના માટે દસ હજાર રૂપિયા, બીજા ગુના માટે પચાસ હજાર રૂપિયા સુધી, પછીના કોઈપણ ગુના માટે એક (1) લાખ રૂપિયા સુધીનો દંડ હોઈ શકે છે. તદ્ઉપરાંત અધિનિયમ હેઠળ આપવામાં આવેલ આદેશનું જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા ઇરાદાપૂર્વક અનાદર કરે અથવા કોઈ કાર્યો કરવામાં અવરોધ ઉભો કરે તેવી વ્યક્તિ/સંસ્થા 5 લાખ રૂપિયા સુધી દંડને પાત્રની જોગવાઇ છે. 

આમ છતાં, આ કાયદાનો કોઈને ડર નથી એ સર્વવિદિત છે. દર્દીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરાતા હોવાના સમાચારો સામાન્ય થઈ ગયા છે. આટલા ગંભીર ગુના કરીને પણ નેતાઓના જોરે આવા નકલી ડૉક્ટરો છટકી જાય છે. નોંધનીય છે કે, આ એક્ટ હેઠળ કોઈ માન્યતાપ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિ દ્વારા માંદગી, ઈજા, શારીરિક ખોડ, અથવા સગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડતા હોય તેવા, હોસ્પિટલ, પ્રસૂતિગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સેનિટોરિયમનો સમાવેશ થાય છે. 

કોને લાગુ પડશે આ એક્ટની જોગવાઇ

આ ઉપરાંત રોગોના નિદાન અથવા તેની સારવાર માટે લેબોરેટરી અથવા અન્ય તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજિકલ, બેક્ટેરિયોલોજી, જિનેટિક, રેડિયોલોજિકલ, રાસાયણિક, જૈવિક તપાસ અથવા અન્ય રોગનિદાન સેવાઓ આપવામાં આવતી હોય અને જે સરકાર અથવા સરકારના વિભાગ, જાહેર અથવા ખાનગી ટ્રસ્ટ, કેન્દ્રીય, પ્રાંતીય (પ્રોવિન્શિયલ) અથવા રાજ્ય અધિનિયમ હેઠળ રજિસ્ટર થયેલું, સરકારની માલિકીનું હોય અથવા ન હોય તેવું (મંડળી સહિતનું) કોર્પોરેશન , સ્થાનિક સત્તામંડળ અને કોઈ ડોક્ટરની માલિકીની અથવા તેના દ્વારા નિયંત્રિત અથવા સંચાલિત ચિકિત્સા સંસ્થાઓ હોય તેને આ એક્ટની જોગવાઇ લાગુ પડે છે. 

ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્‍ટ (રજિસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ 22 મે 2021ના રોજ ગેઝેટમાં પ્રકાશિત થયો હતો અને આ કાયદો તારીખ  13 નવેમ્બર 2022 ના રોજ સમગ્ર રાજ્યમાં અમલમાં આવેલ છે. ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્‍ટ (રજિસ્ટ્રેશન અને નિયમન) અધિનિયમ, 2021 અંતર્ગત નિયમો અને નિયમન તારીખ 13 માર્ચ 2024 ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ થઇ અમલમાં આવ્યા છે.

ટૂંકમાં કાયદા તો પહેલેથી છે જ, પરંતુ સરકારો તેનો ખરેખર કડક અમલ કરાવવા ઈચ્છે તો આ પ્રકારની ઘટનાઓ બને જ નહીં, એ વાતમાં કોઈ શંકા નથી. 


Google NewsGoogle News