વડોદરામાં અકસ્માતના મૃત્યુ કેસોમાં ઘટાડો,નવા વર્ષમાં ટ્રાફિક સુરક્ષા પર ભારઃટ્રાફિક બ્રિગેડમાં 300 જવાનોની ભરતી
વડોદરાઃ વડોદરા શહેરમાં અકસ્માતના કેસોમાં આ વર્ષે મૃત્યુ આંકમાં ઘટાડો થયો હોવાના આંકડા સામે આવ્યા છે.આગામી નવા વર્ષમાં ટ્રાફિક પર પોલીસ વધુ ભાર આપશે અને ટ્રાફિક બ્રિગેડના ૩૦૦ જેટલા જવાનોની ભરતી કરવામાં આવનાર છે.
વડોદરા શહેરમાં અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે શહેર પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.જેથી ટ્રાફિકની સમસ્યા પણ હળવી બને.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,વર્ષ-૨૦૨૩માં શહેરમાં અકસ્માતોને કારણે ૧૮૭ વ્યક્તિના મૃત્યુ થયા હતા.વર્ષ-૨૦૨૪માં મૃત્યુ આંકમાં ઘટાડો થયો છે અને ૨૭ જણાના મૃત્યુ ઓછા થયા છે.આ જિંદગીઓ પણ બચી જવી જોઇએ તેવા પ્રયાસ આગામી વર્ષ-૨૦૨૫માં કરવામાં આવનાર છે.
પોલીસ દ્વારા સ્કૂલોમાં ટ્રાફિક નિયમનના પાલન માટે અવારનવાર કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.એમ એસ યુનિ.માં ૫૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી તેમજ ફેક્ટરીઓમાં પણ હજારોની સંખ્યામાં કામદારો કામ કરતા હોવાથી પોલીસ દ્વારા કોલેજોના સત્તાધીશો અને ફેક્ટરીના માલિકોને પણ વિદ્યાર્થીઓ તેમજ કામદારો પાસે હેલમેટ,સીટ બેલ્ટ જેવા નિયમોનો અમલ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
સિગ્નલ તોડનાર પર પણ તવાઇ, જુદાજુદા ટ્રાફિક પોઇન્ટ પર 180 કેમેરાના ફોટા કંટ્રોલ રૃમને મળી જશે
શહેરમાં ટ્રાફિક સિગ્નલનો ભંગ કરનારાઓને પણ ઇ ચલણ આપવામાં આવશે.
પોલીસ કમિશનરે ટ્રાફિક સિગ્નલો પર બોડીવોર્ન કેમેરાઓ સાથે કર્મચારીઓને ગોઠવ્યા છે.જે પૈકી ૧૮૦ જેટલા કેમેરાઓમાં ટ્રાફિક સિગ્નલનો ભંગ કરનારાઓ કેદ થઇ જશે.
આ ફોટા સીધા સીસીટીવી કંટ્રોલ રૃમને મળશે અને ત્યારબાદ સિગ્નલ ભંગ કરનારાને ઇ મેમો મળશે.