2021થી સક્રિય 'ડ્રગ્સ સ્મગલર' ઈસા હુસેન રાવ સામે હવે 'રેડ કોર્નર' નોટિસ
દાઉદ ગેંગની છત્રછાયામાં ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું નેટવર્ક
વર્ષ 2021માં મોરબી અને દ્વારકા ડ્રગ્સ કેસમાં નામ ખૂલવા છતાં આંખ આડા કાન: વેરાવળ કેસ પછી છ્જીએ અલગ ગુનો નોંધી કાર્યવાહી આરંભી
Drug smuggling in Veraval: વેરાવળમાંથી 350 કરોડનું ડ્રગ્સ પકડાયાના કેસમાં જોડિયાનો ઈસા હુસેન રાવ મુખ્ય સુત્રધાર તરીકે ઉપસી આવ્યો છે. કમનસીબી એ છે કે, આફ્રિકન કન્ટ્રીમાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર ચલાવતી સિન્ડીકેટનું સંચાલન કરતાં ઈસા હુસેન રાવ સામે અગાઉના ગુનાઓમાં ત્વરિત કાર્યવાહી થઈ નહોતી. વર્ષ 2021માં મોરબી અને દ્વારકામાંથી ડ્રગ્સ પકડાવાના કેસમાં ઈસા રાવનું નામ ખુલ્યું હતું તેમ છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા હોયતેવી ચોંકાવનારી વિગતો એજન્સીની ઊંડાણભરી તપાસમાં ખુલી રહી છે. પખવાડિયા પહેલાં વેરાવળમાં ડ્રગ્સનો જથ્થો જોગાનુજોગ જ પકડાયા પછી એટીએસએ સઘન તપાસ કરી ઈસા હુસેન રાવ અને પરિવાર સામે આઠ કિલો ડ્રગ્સ ઘુસાડીને વેચી નાંખવાનો ગુનો નોંધ્યો છે. આફ્રિકન કન્ટ્રીમાં રહેલા ઈસા હુસેન રાવ સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરવાની કવાયત શરૂ કરાઈ છે. સાથે જ, ઈસાના પરિવાર ઉપર કાયદાકીય સકંજો પણ કસાઈ રહ્યો છે.
દરિયાકાંઠેથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડ્યંત્ર
વેરાવળથી માછીમારી માટે અરબી સાગરમાં મધદરિયે જતી બોટના ટંડેલને ફોડી લઈને ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠે ઘુસાડવાના ષડયંત્રમાં જોડિયાનો ઈસા હુસેન રાવ મુખ્ય સુત્રધાર તરીકે ઉપસી આવ્યો છે. વેરાવળથી 350 કરોડનું ડ્રગ્સ પકડાયા પછી સપાટી ઉપર આવેલી સૌથી ગંભીર બાબત એ છે કે, ડ્રગ્સનો આ જથ્થો દાઉદ ગેંગના ઈશારે ભારતમાં ઘુસાડવામાં આવતો હતો. દાઉદ ગેંગની છત્રછાયામાં ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રમાં એક મહોરૂં એવો જોડિયાનો ઈસા હુસેન રાવ વર્ષ 2021થી ડ્રગ્સ સ્મગલિંગમાં સક્રિય છે. આંચકો લાગે તેવી બાબત એ છે કે, વર્ષ 2021માં મોરબી અને દ્વારકામાં ગુજરાત એટીએસએ પકડેલા ડ્રગ્સના કેસમાં ઈસા હુસેનનું નામ ખુલી ચૂક્યું હતું. આમ છતાં, આ આરોપીને ત્વરાથી પકડી પાડવામા આંખ આડા કાન કરાયા હતાં આ પછી વર્ષ 2023માં વેચી દેવાયેલા 8 કિલો હેરોઈન અંગે હવે ગુજરાત એટીએસમાં ગુનો નોંધાયો છે. સવાલ એ છે કે, દાઉદ ગેંગના ઈશારે કામ કરતા ઈસાના ડ્રગ્સ સ્મગલિંગના ચાર કારસ્તાન ત્રણ વર્ષમાં પ્રકાશમાં આવ્યાં છે. તો, ઈસા અને તેની ટોળકી અથવા તો ઈસા જેવા અન્ય તત્વોની મદદથી દાઉદ ટોળકીએ ભારતમાં ડ્રગ્સનો કેટલો જથ્થો ઘૂસાડી દીધો હશે.
ડ્રગ્સના સ્મગલિંગ અને લેન્ડિંગમાં ઈસા હુસેન રાવનું નામ ખુલ્યું
નવેમ્બર- 2021માં મોરબીના એક મકાનમાંથી 600 કરોડનું હેરોઈન પકડાયું હતું. ગુજરાતના દરિયાકાંઠેથી ઘુસાડાયેલા ડ્રગ્સના આ જથ્થાના કેસમાં 3 આરોપી પકડાયા હતા. આ કેસની વધુ તપાસમાં વધુ 776 કરોડનું ડ્રગ્સ અને 14 લોકો પકડાયા હતા. આ બન્ને કેસમાં ડ્રગ્સના સ્મગલિંગ અને લેન્ડિંગ કરાવવાના સુત્રધાર તરીકે જોડિયાના ઈસા હુસેન રાવનું નામ ખુલી ચૂક્યું હતું. ભારતમાં ડ્રગ્સ ઘુસાડતી દાઉદ ગેંગની સક્રિય સિન્ડીકેટે જ વર્ષ 2021માં આ પર્દાફાશ થતાં નાસી છૂટેલા ઈસા હુસેન રાવને પહેલાં કરાંચી અને હવે આફ્રિકાના કોઈ દેશમાં આશ્રય અપાવવા નોંધપાત્ર ભૂમિકા ભજવી હોવાની વિગતો ભારતીય તપાસ એજન્સીઓને મળી છે.
2021થી તે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના કારસ્તાનમાં સતત સક્રિય
જોડિયામાં માછીમાર તરીકે કાર્યરત હોવાનો માહોલ સર્જનાર ઈસા વર્ષ 2021થી તો ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના કારસ્તાનમાં સતત સક્રિય છે જ. ઈસા સામે હવે વર્ષ 2021માં મોરબી, દ્વારકા પછી વર્ષ 2023માં 8 કિલો હેરોઈન ઉપરાંત વર્ષ 2024માં વેરાવળમાં 350 કરોડનું ડ્રગ્સ ઘુસાડવા અંગેના ચાર કેસ નોંધાઈ ચૂક્યાં છે. ઉચ્ચ સૂત્રોનું કહેવું છે કે, પાકિસ્તાનના ઈશારે ડ્રગ્સ સિન્ડીકેટ જીવંત રાખનાર ઈસા સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઈસા હાલમાં બનાવટી નામ ધારણ કરી આફ્રિકાના કોઈ શહેરમાં રહેતો હોવાની વિગતો છે. જો કે, ઈસા હુસેન રાવની પત્ની, પુત્ર અને જમાઈ હવે એ.ટી.એસ.ના સકંજામાં છે. પાકિસ્તાની આકાઓના ઈશારે કામ કરતા જોડિયાના ઈસા હુસેન રાવ ઉપર કાયદાકીય ઉપરાંત સામાજીક તાણાવાણાનું દબાણ કેટલું સફળ રહે છે તે તો સમય જ બતાવશે.
જોડિયાનો ઈસા હુસેન રાવ 4 કેસમાં 'વોન્ટેડ'
- વર્ષ 2021: મોરબીમાં 600 કરોડનું ડ્રગ્સ પકડાયું
- વર્ષ 2021: દ્વારકાથી 145 કિલો હેરોઈન પકડાયું
- વર્ષ 2023: વર્ષ 2023માં ઈસા, તેની પત્ની, પુત્ર, જમાઈ સહિતના છ આરોપીએ 8 કિલો હેરોઈન મગાવી વેચી માર્યું
- વર્ષ 2024: વેરાવળ બંદરથી ઘુસાડેલું 350 કરોડનું ડ્રગ્સ