ગુજરાતના આ 12 જિલ્લામાં કાલે રેડ એલર્ટ, હજુ છ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ આગાહી
Heavy Rain In Gujarat : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને પૂરની સ્થિતિ ઊભી થઈ છે. આ ઉપરાંત, અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કેટલાય લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરવામાં આવ્યાં છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આ મહિનાના અંત સુધીમાં સૌરાષ્ટ્રના મોટાભાગના અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે. જ્યારે આવતી કાલે (29 ઑગસ્ટે) સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ચાલો જાણીએ આગામી છ દિવસ કેવો રહેશે વરસાદી માહોલ.
આ પણ વાંચો : આજવામાંથી પાણી છોડવાનું બંધ કરાયાના 12 કલાક પછી પણ વિશ્વામિત્રીની સપાટી ઘટી નથી, ઉલટાનું નવા વિસ્તારો પૂરના ભરડામાં
છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ ખાબક્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 454 મિ.મી., જામનગરમાં 387 મિ.મી., જામજોધપુરમાં 329 મિ.મી., લાલપુરમાં 324 મિ.મી. અને કાલાવડમાં 284, પોરબંદરના રાણાવાવમાં 292 મિ.મી., રાજકોટના લોધિકા અને દેવભૂમિ દ્વારકાના ભાનવડમાં 268 મિ.મી., રાજકોટના કોટડાસાંઘાણીમાં 261 મિ.મી., દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 260 મિ.મી. અને દ્વારકામાં 251 મિ.મી., પોરબંદરમાં 252 મિ.મી. વરસાદ ખાબક્યો છે.
આજે (28 ઑગસ્ટે) આ જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ
જ્યારે હવામાન વિભાગ દ્વારા આજે (28 ઑગસ્ટે) કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ભારેથી અતિભારે વરસાદને પગલે પાટણ, અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મધ્ય અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉેદપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
29 ઑગસ્ટની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતી કાલે (29 ઑગસ્ટે) સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના 21 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
30-31 ઑગસ્ટની આગાહી
રાજ્યમાં આ મહિનાના અંત સુધીમાં સૌરાષ્ટ્રના મોટાભાગના અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે. 30 ઑગસ્ટે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં હજુ ભારે વરસાદની શક્યતા, વડાપ્રધાન મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત
બીજી તરફ, 31 ઑગસ્ટે ભારે વરસાદને પગલે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતના 16 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.
01-03 સપ્ટેમ્બરની આગાહી
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળશે. 01-02 સપ્ટેમ્બરે માત્ર દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને સુરત, ભરૂચ, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બીજી તરફ, 03 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 31 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.