ખેડા જિલ્લામાં શારીરિક ખોડખાંપણ-સ્પોર્ટ્સના બોગસ સર્ટિફિકેટના આધારે શિક્ષકોની ભરતીનો ભાંડાફોડ
Teacher Controversy: ગુલ્લીબાજ શિક્ષકોના મુદ્દો ઉહોપોહ મચ્યો છે ત્યારે શારીરિક ખોડખાંપણ અને સ્પોર્ટસના ખોટા સર્ટિફિકેટ આધારે શિક્ષકોની ભરતી કરાઈ હોવાનું કૌભાંડ ઉજાગર થયુ છે. ખેડા જિલ્લામાં અરજી કરી ન હોય છતાંય બોગસ દસ્તાવેજો રજૂ કરી 23 ઉમેદવારોએ શિક્ષકની નોકરી મેળવી લીધી છે. ત્યારે ગુજરાત કબડ્ડી એસોસિયેશનના બોગસ સર્ટીફિકેટ આધારે 32 ઉમેદવારો સરકારી શિક્ષકો બની બેઠા છે. આ બોગસ શિક્ષક કૌભાંડ મુદ્દે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા માંગ ઊઠી છે.
ગુજરાત કબડ્ડી એસોસિયેશનના ખોટા સર્ટીફિકેટ
એક તરફ ગુજરાતમાં લાખો શિક્ષિત બેરોજગારો નોકરી માટે ફાંફાં મારી રહ્યા છે. બીજી તરફ બોગસ દસ્તાવેજો આધારે શિક્ષકોની ભરતી કરી કૌભાંડ આચરવામાં આવ્યુ છે. એવો આક્ષેપ કરાયો છે કે, વર્ષ 2010માં ખેડા જિલ્લામાં 141 વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવી જેમાં 23 જણાંએ તો અરજી સુધ્ધાં કરી ન હતી. છતા આ ઉમેદવારોએ શારીરિક ખોડખાંપણના ખોટા સર્ટીફિકેટ રજૂ કરીને નોકરી મેળવી લીધી છે. સામાન્ય પ્રવાહ પીટીસી સહાયકમાં તો 63 ઉમેદવારને બદલે 67 ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર, તો 31 શિક્ષકો ગરબડ કરીને ‘ઘેરહાજર’
વર્ષ 2008માં સ્પોર્ટસના માર્કસ મેરિટમાં ગણવામાં આવતા હતા. જેના પગલે સ્પોર્ટસના સર્ટિફિકેટની ડિમાન્ડ છે. ખેલો ઈન્ડિયા, રમશે ગુજરાત, જીતશે ગુજરાતના નામે કરોડોનું આંધણ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ગુજરાત કબડ્ડી એસોસિયેશનના સર્ટિફેકેટનો ધૂમ ઉપયોગ કરવામા આવ્યો છે.
આ પણ વાંચો: 'કોઈ કંટાળીને બળવો કરશે ત્યારે કામ કરશો..?' RTO, પોલીસ, ટ્રાન્સપોર્ટ અધિકારીઓને હાઈકોર્ટની ફટકાર
ગુજરાત કબડ્ડી એસોસિયેશનના સર્ટિફિકેટની ચકાસણી કરતાં 84 શિક્ષકોના સર્ટિફિકેટ ખોટા સાબિત થયા હતાં. એટલુ જ નહીં, જામનગર પ્રશાસને શિક્ષકોને છૂટા કરી દીધા હતાં. આ પ્રમાણે વડોદરામાં 33 શિક્ષકોને નોકરીમાંથી હાંકી કઢાયા હતાં. ખેડા જિલ્લામાં ગુજરાત કબડ્ડી એસોસિયેશનના સર્ટિફિકેટ આધારે હાલ 32 ઉમેદવારો સરકારી શિક્ષક બની બેઠા છે અને પગાર મેળવે છે.
64 શિક્ષકોની બારોબાર ભરતી કરાઈ
વર્ષ 2008માં 257 શિક્ષકોની ભરતી કરવા નક્કી કરાયુ હતું. જ્યારે 64 શિક્ષકોની બારોબાર ભરતી કરાઈ હતી. વર્ષ 2010માં 141 શિક્ષકોની ભરતી કરવાની હતી પણ 23 શિક્ષકોની વધુ ભરતી કરાઈ હતી. આમ 87 શિક્ષકોની બારોબાર ભરતી કરાઈ હતી. આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઊઠી છે. જો આ મામલે તપાસ કરવામાં આવે તો બોગસ સર્ટિફિકેટ આધારે શિક્ષકોની ભરતીનું સુવ્યવસ્થિત કૌભાંડ બહાર આવી શકે તેમ છે.