જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી ફરી વિવાદમાં, વડોદરામાં હેડ ઓફિસ બહાર સવારથી ઉમેદવારોના ધરણા
ગુજરાત સરકારની વીજ કંપની જેટકો( ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ)માં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયાને લઈને વધુ એક વિવાદ સર્જાયો છે.આ ભરતી પ્રક્રિયા માટેના નિયમો અન્યાયી હોવાના આક્ષેપ સાથે આજે પરીક્ષા આપનારા સેંકડો ઉમેદવારો ફરી એક વખત રેસકોર્સ સર્કલ વિસ્તારમાં આવેલી જેટકોની હેડ ઓફિસ બહાર ધરણા પર બેઠા હતા.
ધરણા કરનારાઓમાં મોટાભાગના ઉત્તર ગુજરાતના ઉમેદવારો છે.તેમનું કહેવું છે કે, જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી માટે એક જ સમયે આખા ગુજરાતમાં પરીક્ષા લેવામાં આવી હતી અને એક જ પેપર ઉમેદવારોને આપવામાં આવ્યું હતું પરંતુ તેનું મેરિટ લિસ્ટ અલગ અલગ બનાવવામાં આવ્યું છે અને તેમાં મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઉમેદવારોને અન્યાય થયો છે.
ઉમેદવારોએ કહ્યું હતું કે, પરીક્ષા એક જ સેન્ટર પર લેવામાં આવી હતી પરંતુ મેરિટ અલગ અલગ ત્રણ ઝોન પ્રમાણે બનાવીને જાહેર કરાયું હતું અને તેમાં ઘણા કિસ્સાઓમાં એવું થયું છે કે, ભરુચમાં ૪૦ ટકા મેરિટ ધરાવનાર ઉેમેદવારની પસંદગી થઈ છે અને મહેસાણા ઝોનમાં ૬૦ ટકા મેળવનાર ઉમેદવારને પણ નોકરી મળી નથી.જો પરીક્ષા એક જ હોય તો અલગ અલગ મેરિટ કેમ?
ઉલ્લેખનીય છે કે, ૨૭ જાન્યુઆરીએ પણ ઉમેદવારોએ જેટકોની હેડ ઓફિસ બહાર ર્ેદેખાવો કર્યા હતા અને પાંચ ફેબુ્રઆરી સુધીમાં જો સત્તાધીશો સંતોષકારક જવાબ નહીં આપે તો ફરી દેખાવો કરવાની ચીમકી આપી હતી.જેના પગલે આજે સંખ્યાબંધ ઉમેદવારો જેટકોની બહાર સવારથી ધરણા પર બેઠા છે.
એક ઉમેદવારે કહ્યું હતું કે, જેટકોના અધિકારીએ શરત મૂકી હતી કે, કંપનીના અધિકારીઓ તા.૬ ફેબુ્રઆરીએ તમારામાંથી ચાર જ ઉમેદવારો સાથે વાત કરવા તૈયાર છે.જેની સામે પણ અમારો વિરોધ હોવાથી આજે અમે ફરી આંદોલન શરુ કર્યું છે.