Get The App

ભારતીય સેનામાં અગ્નિવીરોની ભરતીમાં ગુજરાતના ૮૩૫૪ યુવાનો ભાગ લેશે

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
ભારતીય સેનામાં અગ્નિવીરોની ભરતીમાં ગુજરાતના ૮૩૫૪ યુવાનો ભાગ લેશે 1 - image

વડોદરાઃ વડોદરા શહેરમાં મહારાજ સયાજીરાવ યુનિવસટીના મેદાનમાં આગામી તા. ૬થી તા. ૧૪ જાન્યુઆરી સુધી યોજાનારી ભારતીય સેનાની અગ્નિવીર જવાનની ભરતીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી કુલ ૮૩૫૪  યુવાનો ભાગ લેશે. 

ભારતીય સેનાના ભરતી વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓના અગ્નિવીરો માટે તારીખ પ્રમાણે શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૬ના રોજ મહેસાણા જિલ્લાના ૭૬૩ ઉમેદવારોની કસોટીથી ભરતી પ્રક્રીયાનો પ્રારંભ થશે. એ બાદ તા. ૭ના રોજ સાબરકાંઠાના ૮૧૧ ઉમેદવારો, તા. ૮ના અમદાવાદના ૮૫૩, તા. ૯ના રોજ વડોદરાના ૧૫૬ અને અરવલીના ૭૧૩, તા. ૧૦ના રોજ બનાસકાંઠા જિલ્લાના આઠ તાલુકાના ૮૭૩ અને તે બાદ તા. ૧૧ના રોજ બનાસકાંઠાના છ જિલ્લાના ૫૮૬ અને ગાંધીનગરના ૨૨૮ ઉમેદવારો શારીરિક કસોટી આપશે. એ રીતે જોઇએ તો ગુજરાતમાં સૌથી વધુ  બનાસકાંઠા જિલ્લાના ૧૪૫૯ યુવાનો અગ્નિવીરની ભરતીમાં ભાગ લેશે.

તા. ૧૨ના રોજ નવસારીના ૫૧, ખેડાના ૩૩૦, પંચમહાલના ૪૫૯ ઉમેદવારો, તા. ૧૩ના રોજ સુરતના ૩૦૬, દાહોદના ૪૫૭, વલસાડના ૩૦ યુવાનો, તા. ૧૪ના મહિસાગર જિલ્લાના ૩૧૧, છોટાઉદેપુરના ૨૦૦, ડાંગના ૧૩, નર્મદાના ૧૪, દાદરાનગર હવેલીના ૮, ભરૃચના ૨૬, તાપીના ૧૩, આણંદના ૧૭૨ ઉમેદવારો અગ્નિવીર ભરતીમાં જોડાશે. તા. ૧૫ના રોજ ભારતીય સેનામાં  ટેકનિકલ જગ્યાઓ  માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ૯૮૧ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થનારા ઉમેદવારોનું તા. ૧૬ના રોજ પ્રારંભિક મેડિકલ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. 

વડોદરામાં તરસાલી સ્થિત રોજગાર કચેરીના સંયોજનમાં અગ્નિવીર ભરતીમાં ભાગ લેવા આવતા યુવાનોને કોઇ મુશ્કેલીનો સામનો ના કરવો પડે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. 


Google NewsGoogle News