Get The App

શહેરમાંથી વીજ બિલના બાકી 72 કરોડની વસૂલાત, 42000 જોડાણો કાપ્યા

Updated: Mar 22nd, 2025


Google News
Google News
શહેરમાંથી વીજ બિલના બાકી 72 કરોડની વસૂલાત, 42000 જોડાણો કાપ્યા 1 - image

વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા બાકી વીજ બિલની રકમની વસૂલાત માટે છેલ્લા કેટલાક દિવસોથી કાર્યવાહી થઈ રહી છે.વડોદરા શહેરમાં વીજ કંપની દ્વારા આ માટે ૨૦૦ જેટલા કર્મચારીઓની વિવિધ ટીમોને વિવિધ વિસ્તારોમાં કામે લગાડવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે તા.૨૦ માર્ચ સુધીમાં વડોદરા શહેરમાંથી વીજ કંપનીએ વીજ બિલના બાકી ૭૨ કરોડ રુપિયાની ગ્રાહકો પાસેથી વસૂલાત કરી છે અને હજી પણ ૧૬ કરોડ રુપિયાની રકમ વસૂલ કરવાની બાકી છે.તા.૩૧ માર્ચ સુધીમાં વીજ કંપનીએ આ ૧૬ કરોડમાંથી ૧૪ કરોડ રુપિયાનુ બિલ ગ્રાહકો પાસે ભરાવવાનો ટાર્ગેટ  મૂકયો છે.

સૂત્રોનું કહેવું છે કે, ૧૬ કરોડ રુપિયામાંથી પણ ૫૫૦૦ ગ્રાહકો એવા છે જેમની વીજ બિલની ૯ કરોડ રુપિયાની રકમ બાકી નીકળે છે.આ ૫૫૦૦ ગ્રાહકોનું ૫૦૦૦  રુપિયા કે તેનાથી વધારે વીજ બિલ બાકી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં વીજ કંપનીના ૭.૯૬ લાખ જેટલા ગ્રાહકો છે.દર વર્ષે જાન્યુઆરીથી માર્ચ મહિના સુધી વીજ કંપની દ્વારા વીજ બિલની બાકી રકમ ભરાવવા માટે ઝુંબેશ શરુ કરાતી હોય છે.બિલ ભરવાના નિયત સમય અને ગ્રેસ પિરિયડ પછી પણ જેમનું વીજ બિલ બાકી હોય તેવા ગ્રાહકોની પાસે પૈસા ભરાવવામાં આવે છે અને જો ગ્રાહક પૈસા ના ભરે તો તેનું જોડાણ કાપી નાંખવામાં આવે છે.વીજ કંપનીએ ૪૨૦૦૦ ગ્રાહકોના જોડાણ કાપ્યા છે.જે ગ્રાહકો પૈસા ભરી દે છે તેમના જોડાણ ૨૪ કલાકની અંદર ફરી ચાલુ પણ કરી દેવામાં આવે છે.વીજ કંપનીના સૂત્રોના કહેવા પ્રમાણે લોકો સમયસર વીજ બિલ ભરે તેવી અપીલ નિયમિત રીતે કરવામાં આવે છે.જેથી કરીને વીજ કંપનીને જોડાણો કાપવાનો વારો ના આવે.

૧૯૦૦ વીજ  મીટર પણ કાઢી લેવાયા 

વીજ કંપની દ્વારા ગ્રાહકો વીજ બિલની બાકી રકમ ના ભરે તો તેમના જોડાણ કાપવામાં આવે છે અને એ પછી પણ ગ્રાહકો બિલ ના ભરતા હોય તો તેમના મીટર કાઢી લેવામાં આવે છે.છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ઝૂંબેશમાં વીજ કંપનીએ ૧૯૦૦ ગ્રાહકોના મીટર પણ કાઢી લીધા છે.જો તેઓ ૬ મહિનાની અંદર બિલના પૈસા ભરી દે તો તેમના મીટર તરત જ પાછા લગાવી દેવામાં આવશે.


Tags :
electricity-billvadodaramgvcl

Google News
Google News