સિઝનની રેકોર્ડબ્રેક ઠંડી : 11.7 ડિગ્રી સાથે ભાવેણું ઠંડીમાં ઠુંઠવાયું
શિયાળાની સિઝનમાં પ્રથમ વખત ઠંડીનો પારો 12 ડિગ્રીની નીચે સરક્યો
રાત્રે હાજા ગગડાવતી ઠંડીએ લોકોને બાનમાં લીધા, રસ્તાઓ ઉપર ઠંડીનું કરફ્યું
જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં શિયાળાની ઋતુએ તેનો અસલ પરચો દેખાડવાનું શરૂ કર્યું છે. તેમાં પણ છેલ્લા બે દિવસથી તો ભાવનગર જાણે ટાઢમાં જકડાયું હોય તેવી કડકડતી ઠંડી પડી રહી છે. રાત્રિથી વહેલી સવારના સમયે ઠારના કારણે તાપમાન ૧૧.૭ ડિગ્રીએ પહોંચી ગયું હતું. છેલ્લા ૨૪ કલાકમાં રાતનું તાપમાન ૦.૯ ડિગ્રી ઘટી જતાં ઓણ સાલ શિયાળાની સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. રાત્રે હાજા ગગડાવતી ઠંડીએ રીતસરના લોકોને બાનમાં લીધા હતા. રસ્તાઓ ઉપર તો જાણે ઠંડીનું અઘોષિત કરફ્યું લાગ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. તો વહેલી સવારે કામ-ધંધા અર્થે જતાં લોકો ગરમ વસ્ત્રોથી ઢંકાયેલા હોવા છતાં ટાઢના થથરતા જોવા મળ્યા હતા. આંગળીઓ પણ સીઝી ગઈ હોય તેવો અહેસાસ ઠંડીએ કરાવ્યો હતો. તો સવારની પાળીમાં સ્કૂલે જતાં બાળકોની હાલત દયનીય બની ગઈ હતી. ઘણાં વાલીઓએ તો પોતાના સંતાનોને સ્કૂલે મોકલવાનું પણ ટાળ્યું હતું. વહેલી સવાર સુધી હાડ થીજાવતી ઠંડીનું સામ્રાજ્ય રહ્યા બાદ દિવસ દરમિયાન શહેરીજનોને ઠંડીમાં રાહત મળી હતી. હવે, આગામી ૪૮ કલાકમાં લઘુતમ તાપમાન બેથી ત્રણ ડિ.સે. ઉંચકાશે. જેથી રાત્રે ઠંડીમાં થોડીક રાહત રહેશે. પરંતુ ત્યારબાદ ફરી બે-ત્રણ ડિ.સે. તાપમાન નીચું આવવાથી ખિહરના તહેવાર દરમિયાન ભાવેણાંવાસીઓ ઠંડીમાં જકડાયેલા રહે તેવી હવામાન વિભાગે સંભાવનાઓ વ્યક્ત કરી છે.
દિવસે કાતિલ ઠંડીથી રાહત, તાપમાન અઢી ડિગ્રી ઉંચકાયું
૧૧.૭ ડિગ્રી સાથે રાત્રે ભાવેણું ઠંડીગાર રહ્યા બાદ દિવસે કાતિલ ઠંડીથી રાહત રહી હતી. રાત્રિની તુલનામાં દિવસે ઠંડીનું પ્રમાણ ઘણું જ ઓછું રહેતા ગઈકાલ બુધવારની તુલનામાં આજે ગુરૂવારે મહત્તમ તાપમાનનો પારો ૨.૫ ડિગ્રી ઉપર સરકીને ૨૮.૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો. જ્યારે સવારે પવનની ઝડપ ૦૨ કિ.મી. રહ્યા બાદ બપોરે ૧૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૭૩ ટકા અને બપોરે ૪૭ ટકા નોંધાયું હતું.