જાડેજાએ કહ્યું પિતાના વાહિયાત ઈન્ટરવ્યૂમાં કોઈ તથ્ય નહીં, મારેય ઘણું કહેવું છે પરંતુ...
રવિન્દ્ર જાડેજાએ કહ્યું પિતાના ઈન્ટરવ્યૂમાં તમામ બાબતો એકતરફી
પિતા અનિરુદ્ધસિંહે કહ્યું તેને ન પરણાવ્યો હોત તો સારું હોત
Ravindra Jadeja Family Controversy: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પરિવારનો વિખવાદ ફરી એક વખત ચર્ચામાં છે. પિતા અનિરુદ્ધસિંહના ઈન્ટરવ્યૂ પર જાડેજાએ પ્રતિક્રિયા આપતા 'X' પર પોસ્ટ શૅર કરી હતી. જેમાં તેણે કહ્યું કે "પિતાના ઈન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો તથ્યહીન છે." મહત્ત્વનું છે કે મીડિયામાં રવિન્દ્ર જાડેજાના પિતાએ ઈન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં તેમણે ક્રિકેટર પર આરોપ લગાવતા કહ્યું હતું કે "અમારે તેની સાથે હવે કોઈ સંબંધ રહ્યો નથી. તે બદલાઈ ગયો છે તેને મેં ક્રિકેટર ન બનાવ્યો હોત અને પરણાવ્યો ન હોત તો સારું હોત."
મારી પાસે પણ કહેવા માટે ઘણું છે: રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ગુજરાતીમાં પોસ્ટ કરીને લખ્યું, "વાહિયાત ઇન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયલી વાત છે. જેને હું નકારૂ છું. મારા ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે.."
રવિન્દ્ર ઘણો બદલાઈ ગયો છે, પત્નીએ જાદુ કરી દીધો : પિતા અનિરુદ્ધસિંહ
ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજાએ ઈન્ટરવ્યૂમાં અનેક ખુલાસા કર્યા હતા અને તેમણે પુત્રવધુ રિવાબા પર આરોપ લગાવી કહ્યું હતું કે, "તેણે રવિન્દ્ર પર શું જાદુ કરી દીધો છે ખબર નથી. દીકરો મારો છે, મારું પેટ બળીને રાખ થઈ જાય છે, તેને મેં ક્રિકેટર બનાવ્યો ન હોત કે તેને પરણાવ્યો ન હોત તો સારું હોત."
જાડેજા પરિવારના વિવાદ અગાઉ પણ ચર્ચાયા છે
મહત્વનું છે કે રવિન્દ્ર જાડેજાના પરિવારમાં સભ્યો વચ્ચે સમયાંતરે વિવાદ સામે આવતો રહ્યો છે. આ પહેલા રવિન્દ્રની બહેન નયનાબા અને પત્ની રિવાબાનો પણ વિવાદ જાહેરમાં ચર્ચાયો હતો. ભાભી-નણંદ વચ્ચે રાજકીય લડાઈમાં ઘણી વખતે વ્યક્તિગત આરોપ-પ્રત્યારોપ જોવા પણ મળી ચૂક્યાં છે.