VIDEO : દહેગામમાં 'રાવણ'ને પહેરાવવો પડ્યો 'રેઇનકોટ', વરસાદ પડતાં તાત્કાલિક ઢાંકવું પડ્યું પૂતળું
Ravan Dahan in Dehgam : આજે નવરાત્રિનું નવમું નોરતું છે અને આવતીકાલ 12 ઑક્ટોબરે દશેરા(દશમી) છે. દશેરાના તહેવારમાં સમગ્ર દેશમાં ઠેક-ઠેકાણે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. ગુજરાતમાં પણ કારીગરો દ્વારા 5-10 ફૂટથી લઈને 80 ફૂટ ઊંચા રાવણના પૂતળાં બનાવવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના દહેગામમાં પણ રાવણ દહનને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ વર્ષે અહીં 40 ફૂટ ઊંચું રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું છે. તો બીજી તરફ બે દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી છે. જેને લઈને આ રાવણને રેઇનકોટ પહેરાવવો પડ્યો હતો.
રાવણને પહેરાવાયો 'રેઇનકોટ'
દહેગામમાં કૉર્પોરેશનની હાઇસ્કૂલના મેદાનમાં રાવણ દહનનું આયોજન કરાયું છે, તે માટે 40 ફૂટ ઊંચું રાવણનું પૂતળું તૈયાર કરાયું છે. પરંતુ દહેગામમાં વરસાદ પડતાં આયોજકો દોડતા થયા હતા. અહીં બનાવવામાં આવેલું રાવણનું પૂતળું વરસાદમાં ભીંજાયું હતું. તેને વરસાદથી બચાવવા માટે તાત્કાલિક આયોજકોએ ક્રેનની મદદથી મોટું પ્લાસ્ટિક મંગાવીને રાવણના પૂતળાંને ઢાંકી દેવાયું હતું. આમ રાવણને એક પ્રકારે રેઇનકોટ પહેરાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે શું આ પલળી ગયેલો રાવણ સળગશે કે નહીં? તેમાં લગાવેલા ફટાકડા ફૂટશે કે સૂરસૂરિયું થશે?
મોટી સંખ્યામાં ઉમટી પડે છે લોકો
દહેગામમાં ગત વર્ષથી રાવણ દહનનું આયોજન કરાઈ રહ્યું છે. જોકે આ અગાઉ 22 વર્ષ સુધી રાવણ દહન કાર્યક્રમ યોજાયો ન હતો. દહેગામ નગરપાલિકા દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. દશેરાના દિવસે રાવણ દહન જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે.
દશેરાના દિવસે પ્રભુ શ્રીરામે રાવણને વધ કર્યો હતો. આ સંદર્ભમાં દશેરાએ રાવણના પૂતળાનું દહન કરવાની લોકપરંપરા પ્રચલિત થઈ. ભગવાન રામની રાવણ પર અને માતા દુર્ગાની મહિષાસુર પર જીતના આ તહેવારને અધર્મ પર ધર્મની જીત અને અસત્ય પર સત્યની જીત તરીકે દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે.