ટર્પેન્ટાઇનનું વેચાણ કરતી અકોટાની રેશનિંગ દુકાનનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયું
પોલીસ લાઇનની સામે અંબિકા સ્ટોરમાં પુરવઠા શાખામાં દરોડા ઃ ટર્પેન્ટાઇન કબજે કરાયું
વડોદરા, તા.1 શહેરના અકોટા વિસ્તારમાં આવેલી અંબિકા સ્ટોર નામની રેશનિંગ દુકાનમાં જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ થતું હોવાનું જણાતા જ આ દુકાનનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે અકોટા વિસ્તારમાં પોલીસ લાઇનની સામે આવેલી રેશનિંગ દુકાનમાં જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ થાય છે તેવી માહિતીના આધારે જિલ્લા પુરવઠા શાખાના સ્ટાફ દ્વારા દરોડો પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે રેશનિંગની આ દુકાનનું સંચાલન ભરત પ્રજાપતિના નામે છે તેમજ દુકાનનો સમાવેશ મોડલ એફપીએસમાં થાય છે. તેમાં રેશનિંગમાં અપાતા અનાજ ઉપરાંત સાબુ સહિતની વસ્તુઓ વેચાણ થઇ શકે પરંતુ જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ ના થઇ શકે.
દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો ત્યારે નજીકમાંથી ૭૨ લીટર જેટલું ટર્પેન્ટાઇનનો જથ્થો મળ્યો હતો. આ જથ્થાનું વેચાણ ગેરકાયદે હોવાનું જણાતા આ અંગે પુરવઠા ઇન્સ્પેક્ટરો દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે દુકાનનું લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.