અષાઢી બીજે દ્વારકામાં પણ યોજાશે રથયાત્રા: ચાંદીના રથમાં ભક્તોને દર્શન આપશે દ્વારકાધીશ, રથને સ્તંભ સાથે અથડાવવાની પણ પરંપરા
Devbhoomi Dwarka Rathyatra : રાજ્યમાં જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈને જોરશોરથી ઉજવણી થઈ રહી છે. આવતી કાલે (7 જુલાઈ) અષાઢી બીજના દિવસ રથયાત્રા નીકાળવામાં આવશે. તેવામાં દ્વારકામાં અષાઢી બીજના દિવસે દ્વારકાધીશ જગતમંદિરમાં સાંજ 5થી 7 વાગ્યાની અંદરમાં ભગવાનના બાળ સ્વરૂપની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભગવાનના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં બેસાડીને દ્વારકાધીશના મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા કરીને મંદિરના પરિસરમાં પૂજારીના પરિવાર મળીને રથયાત્રા નીકાળવામાં આવશે. હજારોની સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જોડાઈને ભગવાનના દર્શન કરશે.
ચાંદીના રથમાં બેસાડીને મુખ્ય મંદિરની ફરતે ચાર વખત પરિક્રમા કરાશે
દ્વારકાધીશ મંદિરના પૂજારીએ કહ્યું હતું કે, ‘અષાઢી બીજના દિવસે દર વર્ષે પરંપરા પ્રમાણે શ્રીજીના બાળ સ્વરૂપને ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં આવે છે. જેમાં ભગવાનના બાળ સ્વરૂપને સફેદ ચાંદીના રથમાં બેસાડીને મુખ્ય મંદિરની ફરતે ચાર વખત પરિક્રમા કરવામાં આવે છે. જેમાં દરેક પરિક્રમા વખતે ભોગ અને આરતી પણ કરવામાં આવે છે.’
ચોથી પરિક્રમા બાદ રથને સ્તંભ સાથે અથડાવાની પરંપરા
આ અંગે વધુ વાત કરતા પૂજારીએ જણાવ્યું હતું કે, ‘ચોથી પરિક્રમા પૂરી થયાં પછી ભગવાનના રથને દ્વારકાધીશના મુખ્ય મંદિરની સામે આવેલા દેવકી માતાના મંદિર પાસેના સ્તંભ સાથે અથડાવવામાં આવે છે.’ બીજી તરફ એવી પણ માન્યતા છે કે, ભગવાનના બાળ સ્વરૂપના રથને સ્તંભ સાથે અથડાવતા આકાશમાં વાદળો બંધાય છે અને ઠેરઠેર સારો વરસાદ પણ પડે છે.