રતન ટાટાની સુરત મુલાકાત, હીરા કંપનીના 944 સભ્યોના પરિવારનો ફોટો જોઈ થયા હતા આશ્ચર્યચકિત
Ratan Tata Visit Surat : ભારતીય ઉદ્યોગ જગતના અગ્રણી ટાટા ગ્રૂપના રતન ટાટાના અવસાનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. ત્યારે વર્ષ 2018માં સુરતની શુભેચ્છા મુલાકાતે રતન ટાટા આવ્યા હતા. તે સમયે હીરા કંપની એસઆરકે ગ્રુપ કતારગામમાં આવેલી ફેક્ટરી, કિરણ હૉસ્પિટલ સાથે ધોળકિયા પરિવારના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. રતન ટાટાએ હીરા ઉદ્યોગનું બારીકાઈથી નિરીક્ષણ કરીને તેની ટૅકનૉલોજી, તેમાં કામ કરતાં કારીગરો અને ગોવિંદભાઈ ધોળકિયા વિશે વિગતો મેળવીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે જ સુરતની મુલાકાતને યાદગાર ગણાવીને સુરતના વિકાસ અંગે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
સંતોક બા ઍવૉર્ડ સ્વીકારેલો
ગોવિંદભાઈ ધોળકિયાએ સંભારણા યાદ કરતાં કહ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી અપાતા “સંતોક બા ઍવૉર્ડ” રતન ટાટાને આપવાનું નક્કી થયું હતું. તેમણે આ ઍવૉર્ડ સ્વીકારવાની મંજૂરી આપી હતી. જાહેર સમારંભ અને કાર્યક્રમથી સામાન્યપણે દૂર રહેતાં રતન ટાટા આ ઍવૉર્ડ એકદમ અંગત લોકો અને એસઆરકે પરિવારની હાજરીમાં સ્વીકાર્યો હતો. ઍવૉર્ડ સ્વીકારતી વખતે જ રતન ટાટાએ કહેલું કે, મારી પાસે તો વારસામાં સંપત્તિ આવી હતી. મેં એમાં ઉમેરો કરીને અમારા ગ્રૂપને આગળ વધાર્યુ છે. પણ તમે શૂન્યમાથી સર્જન કર્યું છે મારે એ જોવું છે.
રત્નકલાકારોના પગાર સહિતની વિગતો મેળવેલી
રતન ટાટા બાય ફ્લાઇટ સુરત આવ્યા હતાં. અહીં એસઆરકે પરિવારની ત્રણ પેઢી સાથે મુલાકાત કરીને હીરા ઉદ્યોગની વિગતો મેળવી હતી. સાથે જ એમને હીરા ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતી ટૅક્નોલૉજી અંગે વિગતો મેળવી હતી. ધોળકિયા પરિવારની બીજી પેઢીના યુવાનોએ ફેક્ટરીની મુલાકાત કરાવી હતી. રતન ટાટા એ કાચા હીરાને કાપવાના અને પોલીશિંગ કરવાની પ્રક્રિયામાં વપરાતી ટૅક્નોલૉજી વિશે બહુ ઝીણવટભરી વિગતો મેળવી હતી. સાથે જ એમણે રત્ન કલાકારોના અભ્યાસ અને એમના પગારની વિગતો પણ જાણી હતી. સાથે જ એમણે ધોળકિયા પરિવારના 944 સભ્યોનો ગ્રૂપ ફોટો જોઈ આનંદ અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
ગુજરાતી ભોજન લીધું હતું
સુરતની મુલાકાતની શરુઆતથી જ રતન ટાટા બહુ ખુશ હતા અને એમને અનેક વાતો અંગે પોતાનું કૂતુહલ પણ વ્યક્ત કરતાં હતા. એકદમ સરળ અને સહજ સૌજન્ય મુલાકાતનો લાભ ધોળકિયા પરિવારને મળ્યો હતો. બપોરના સમયે ધોળકિયા પરિવાર સાથે ભોજન લીધું હતું. ભારતીય અને ગુજરાતી પરંપરા મુજબ ધોળકિયા પરિવારની સ્ત્રીઓએ એમનું સ્વાગત અને સન્માન કર્યું હતું, પૂર્ણ ગુજરાતી ભોજન પીરસ્યું હતું. ગુજરાતી જમણમાં ખમણ એમને વધુ પસંદ આવ્યા હતા.
ટાટાએ સંવાદ કર્યો હતો
ધોળકિયા ફાર્મ, વેડ-કરાડા ખાતે ધોળકિયા પરિવારના યુવાનો અને પારિવારિક મિત્રો સાથે એક ખાસ સંવાદ યોજ્યો હતો. આ સંવાદમાં પરિવારના યુવાનોએ વિવિધ પ્રશ્નો રતન ટાટાને પૂછ્યા હતા. ટાટાએ પણ દરેક પ્રશ્નોના બહુ વિગતે જવાબ આપ્યા હતા. તમને જગત કઈ રીતે યાદ રાખે? એવા અક્ષય ધોળકિયાના પ્રશ્નના જવાબમાં રતન ટાટાએ ઉત્તર આપતા કહ્યું હતું કે, મે કેટલી સંપત્તિ અને વેપાર વિકાસ કર્યો છે એના કરતાં મે કશા બદલાવમાં શું યોગદાન આપ્યું એના માટે યાદ રાખે તો મને ગમશે. રતન ટાટાએ સુરત અંગે કહ્યું કે 20 વર્ષ પહેલાં નવસારી જતી વખતે હું સુરત ઍરપૉર્ટ ઉપર ઉતર્યો હતો બસ એટલું જ.
સુરતને જોઈને કહેવું દેશ વિકાસ કરે છે
ગોવિંદ ધોળકિયા સહિતનાને રતન ટાટાના કહ્યું કે વિમાનમાંથી મે સુરતમાં બનેલી સુંદર ઊંચી ઇમારતો જોઈ અને ઍરપૉર્ટથી અહીં આવતાં સુધી સુરતને જોયા પછી કહી શકું કે ભારત વિકાસ કરી રહ્યું છે. મુંબઈમાં બેસીને આ ખબર ના પડી હોત. આજે આવ્યો ન હોત તો મારા મગજમાં સુરતની 20 વર્ષ પહેલાંની છબી જ હોત. સુરત ઍરપૉર્ટથી એસઆરકે, કિરણ હૉસ્પિટલ બધું જોતાં મને પ્રશ્ન થયો કે, આ સુરત છે? ખેડૂત એવા રત્ન કલાકારો ભણ્યા ઓછું છે પણ એમની અંદરના કૌશલ્યને હીરા ઉદ્યોગમાં બરાબર ઉપયોગમાં લેવાયો છે. મને ખ્યાલ નથી કે બીજી કોઈ જગ્યાએ આવો ઉપયોગ થયો હોય.
રતન ટાટા ઋષિતુલ્ય ઉદ્યોગપતિ
ગોવિંદભાઈ ધોળકિયાએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, ભારતના ઋષિતુલ્ય ઉદ્યોગપતિ રતન ટાટા હતાં. આજે એ આપણી વચ્ચે નથી. પરંતુ સુરતની મુલાકાતે પધાર્યા તે અમારા માટે તો ઇતિહાસ છે. અમે પણ પહેલથી ટાટા ઉદ્યોગ સમૂહના સિદ્ધાંતોને અનુસરતા રહ્યા છીએ. એટલે પણ એમની મુલાકાત યાદગાર અને અવિસ્મરણીય રહી હતી.
રતન ટાટાના 85મા જન્મદિવસે સુરતના આર્ટિસ્ટે બનાવ્યું હતું પોટ્રેટ ચિત્ર
સુરતના એક આર્ટિસ્ટ શૈલેષ ટંડેલએ સ્વર્ગીય રતન ટાટાના ગયા વર્ષે 85મા જન્મદિવસ નિમિત્તે તેમનું એક પોટ્રેટ ચિત્ર બનાવ્યું હતું. જેને આપવા તેઓ ખુદ મુંબઈ ગયા હતા, પરંતુ તેમની તબિયત સારી ના હોવાના કારણે તેઓ તેમને મળી શક્યા ન હતા, પરંતુ રતન ટાટાએ આ ચિત્રનો સ્વીકાર કર્યો હતો અને ત્યારબાદ તેમણે આ ચિત્ર સાથેના ફોટોગ્રાફ્સ શૈલેષભાઈ ટંડેલને મોકલ્યા હતા.