રાપર: વણોઈવાંઢનાં શખ્સ વિરુદ્ધ એક સાથે બે લેન્ડ ગ્રે્બિંગ
રાજ્ય બહાર રહેતા બે વેપારીની જમીન પચાવી પાડવા જમીન પર વાવણી કરતા ગુનો નોંધાયો
મૂળ રાપરમાં વણોઈનાં હાલે વેસ્ટ મુંબઈ રહેતા ભચુભાઈ જીવરાજભાઈ શાહે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કેભચાઉનાં ભરૂડીયા સીમમાં આવેલી ફરિયાદીની માલિકીની સર્વે નં ૩૧૦-૧ વાળી ૬ થી ૭ એકર જમીન પર આરોપી વલીમામદ સધીક વાઢા (રહે. વણોઈવાંઢ)એ ગેરકાયદેસર રીતે કબ્જો કરી જમીન પચાવી પાડવાનાં હેતુથી જમીન પર વાવેતર કરી નાખ્યું હતુ. જે અંગે ફરિયાદીને જાણ થતા ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ૨૨ ઓક્ટોબર ૨૦૨૪નાં કચ્છ કલેક્ટર સમક્ષ અરજી કરી હતી. જેમાં આરોપીએ ગેરકાયદે જમીન પર કબ્જો ખાલી ન કરતા અંતે કલેક્ટરનાં હુકમ બાદ ફરિયાદીએ ભચાઉ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રે્બિંગ એક્ટ સહીતની કલમો હેઠળ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ મૂળ ભચાઉનાં ભરૂડીયા ગામના હાલે વેસ્ટ મુંબઈ રહેતા કાંતિલાલ વેલજીભાઇ સત્રાએ પણ આ આરોપી વલીમામદ સધીક વાઢા (રહે. વણોઈવાંઢ) વિરૂદ્ધ લેન્ડ ગ્રે્બિંગ એક્ટની કલમો ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી વલીમામદે ફરિયાદીની ભરૂડીયા સીમમાં આવેલી સર્વે નં ૩૧૦ વાળી જમીનનાં સેઢા તરફ એકથી બે એકર જમીન પચાવી પાડવાનાં હેતુથી જમીન પર ગેરકાયદેસર વાવેતર કરી કબ્જો કર્યો હતો. જેમાં ફરિયાદીએ કબ્જો ખાલી કરવાનું કહેતા આરોપીએ ફરિયાદીને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ કચ્છ કલેક્ટરને અરજી કરી હતી. જેમાં કલેક્ટરનાં હુકમ આવ્યા બાદ ફરિયાદીએ આરોપી વિરૂદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાવ્યો હતો.