વેપારીઓને નફામાં નુકશાન: રેપાપોર્ટએ 4 કેરેટથી ઓછી સાઇઝના ડાયમંડના ભાવમાં 7 ટકાનો ઘટાડો કર્યો
- વેપારીઓ પાસે હાલમાં જે માલ હશે તેની કિંમતમાં સીધો 7 ટકાના ઘટાડાને પગલે ઉદ્યોગકારોમાં ભારે કચવાટ: મંદી ડાયમંડ ઉદ્યોગની કમર તોડી નાંખશે
સુરત
ભયંકર મંદીમાંથી પસાર થઇ રહેલો ડાયમંડ ઉદ્યોગને સ્થિરતા તરફ લઇ જવાના પ્રયાસ વચ્ચે રેપાપોર્ટ દ્વારા 4 કેરેટથી પતલી સાઇઝના તૈયાર હીરાના ભાવમાં સરેરાશ 7 ટકાનો ઘટાડો કરવામાં આવતા વેપારીઓને નફામાં નુકશાન જેવો ઘાટ થયો છે. જેને પગલે વેપારીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
સુરતની ઓળખ ગણાતો ડાયમંડ ઉદ્યોગ હાલમાં મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. વર્ષોથી ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી, દલાલ અને રત્નકલાકારોના મતે હાલમાં જે મંદીનો માહોલ છે તેવી અનુભુતિ ભૂતકાળમાં કયારે પણ જોવા મળી નથી. મંદીને ધ્યાનમાં લઇ દુનિયાની સૌથી મોટી રફ વિક્રેતા કંપની ડીબિયર્સ દ્વારા પણ ભાવમાં ઘટાડો કે સ્થિર રાખી માર્કેટને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. ઉપરાંત ગત મહિનાની હરાજી પણ રદ્દ કરી હતી. તેવા સંજોગોમાં પ્રાઇઝ લિસ્ટમાં આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક ગણાતી રેપાપોર્ટ કંપની દ્વારા ગત શુક્રવારે જાહેર કરવામાં આવેલા ભાવમાં 4 કેરેટથી ઓછી સાઇઝ એટલે કે 0.30 કેરેટ સુધીના ભાવમાં સરેરાશ 7 ટકાનો ભાવ ઘટાડો કર્યો છે. જેને પગલે સુરતના ઉદ્યોગકારોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગકારોના મત મુજબ મંદીના માહોલ વચ્ચે વેપારીઓના નફામાં નુકશાન જેવા ઘાટ સર્જાયો છે. જે વૈપારી પાસે હાલમાં 4 કેરેટથી ઓછી સાઇઝનો 1 કરોડનો માલ હોય તો રેપાપોર્ટના ભાવ મુજબ તેની કિંમતમાં સીધો 7 લાખનો ઘટાડો થવાની સાથે હીરાની કિંમત 93 લાખ થઇ જશે. ઉદ્યોગકારોએ વધુમાં જણાવ્યું હતું કે ઉદ્યોગને સ્થિર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યાં વળી રેપાપોર્ટ દ્વારા ભાવમાં ઘટાડો ઉદ્યોગની કમર તોડી નાંખશે. ઉલ્લેખનીય છે કે રેપાપોર્ટ દર શુક્રવારે હીરાના કદ, રંગ વિગેરેને ધ્યાનમાં લઇ ભાવની જાહેરાત કરે છે અને તે આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક ગણાવાની સાથે વિશ્વના મોટા બજારમાં ભાવની સ્થિરતા નક્કી કરે છે.