વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પરિણીતા સાથે અવાર - નવાર રેપ
૧૫ લાખ રૃપિયા તથા ૨૫ તોલા સોનુ પણ પડાવી લેનાર આરોપીની ધરપકડ
વડોદરા,પરિણીતા સાથે ફેસબૂક પર મિત્રતા કર્યા પછી આરોપીએ જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધી તેના વીડિયોના આધારે બ્લેકમેલ કરી ૧૫ લાખ રોકડા અને ૨૫ તોલા સોનુ પડાવી લીધા હતા. અટલાદરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
૩૫ વર્ષની પરિણીતાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ૧૮વર્ષ અગાઉ હું અભ્યાસ કરતી હતી. ત્યારે વિરલ અરવિંદભાઇ પટેલ સાથે પરિચય થયો હતો. ત્યારબાદ અમારી વચ્ચે કોઇ કોન્ટેક્ટ નહતો. વર્ષ - ૨૦૧૬ માં ફેસબૂક પર વિરલે મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. મેં રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી. ત્યારબાદ અમારી વચ્ચે વોટ્સએપ પર પણ વાતચીત થતી હતી. તેણે મને જણાવ્યું હતું કે, મારા ઘરમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. હું ખરાબ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છું. અત્યારે મારે પૈસાની ખૂબ જરૃરિયાત છે. ખેતીની લોન પણ ભરવાની છે. મારે ૩૬ હજારની જરૃરિયાત છે. જેથી, મેં તેના એકાઉન્ટમાં ૩૬ હજાર ટ્રાન્સફર કર્યા હતા. જૂન - ૨૦૨૪ સુધી મેં તેને ૮૨ હજાર ટ્રાન્સફર કર્યા હતા. તા. ૨૦ - ૦૬ - ૨૦૨૪ ના રોજ વિરલે મને જણાવ્યું હતું કે, મારી પાસે પૈસાની વ્યવસ્થા થઇ ગઇ છે. તું આવીને લઇ જા. તેણે મોકલેલા લોકેશન પર હું બિલ રોડ અરોમા પાર્ક પાસે નવી બંધાતી સાઇટ પર ગઇ હતી. સેમ્પલ હાઉસ બતાવવાના બહાને તે મને પહેલા માળે લઇ ગયો હતો. જ્યાં તેણે મારી સાથે જબરજસ્તી કરી હતી. બીજા દિવસે વિરલે મને કહ્યું કે, મારી પાસે શરીર સંબંધ બાંધતા સમયનો વીડિયો છે. તેણે પૈસાની માંગણી કરી ધમકી આપી હતી કે, તું પૈસા નહીં આપે તો હું વીડિયો વાયરલ કરી દઇશ. મેં મારા તથા મારી બહેનના દાગીના ગીરવે મૂકી ૮ લાખ ટ્રાન્સફર કર્યા હતા. તેમજ બીજા ૭ લાખ સગા સંબંધીઓ પાસેથી મેળવીને આપ્યા હતા. ત્યારબાદ પણ તેણે પૈસાની માંગણી કરી ધમકી આપવાનું ચાલુ રાખતા મેં મારી બહેનનું આશરે ૨૫ તોલા સોનુ વિરલને આપ્યું હતું. તે દરમિયાન હોટલમાં બોલાવી તેણે મારી સાથે જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. અટલાદરા પોલીસે આરોપી વિરલ અરવિંદભાઇ પટેલ (રહે. જલારામ સોસાયટી, પાદરા) ની ધરપકડ કરી રૃપિયા અને સોનુ રિકવર કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.