પાંડેસરા GIDCમાં રાણીસતી ડાઇંગ મિલમાં આગ લાગતા નાસભાગ
- પહેલા માળે આગ લાગ્યા બાદ મશીનની આસપાસ મુકેલો ગ્રે કાપડનો જથ્થો લપેટમાં આવી જતા આગ વિકરાળ બની
સુરત :
પાંડેસરા જીઆઇડીસી ખાતે રાણીસતી ડાઇંગ મિલમાં આજે મંગળવારે બપોરે શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. જેના લીધે ત્યાં હાજર કારીગરોમાં ભારે નાશભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.
ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ પાંડેસરા જીઆઇડીસી ખાતે રાણીસતી ડાઇંગ મિલમાં આજે સોમવારે સવારે બપોરે પહેલા માળે ફિજિન્ગ મશીનમાં શોર્ટ સર્કિટ થતા આગ ભડકી ઉઠી હતી, એટલું જ નહીં મશીનની આસપાસ ગ્રે કાપડનો જથ્થો આગની લપેટમાં આવતા વધુ પ્રમાણમાં ધુમાડો નીકળવા માંડયો હતો. જેના લીધે અંદર કામ કરી રહેલા કારીગરો ગભરાઇ જઇને નાસભાગ થઇ જવા પામી હતી. જયારે કેટલાક કારીગરો આગ બુઝાવવાની કોષિશ કરતા હતા. કોલ મળતા ત્રણ ફાયર સ્ટેશનના ગાડી સાથે લાશ્કરોનોે કાફલો ઘટન સ્થળે પહોંચી પાણીનો છંટાવ કરી અડધોથી પોણા કલાકમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જયારે આગને લીધે ગ્રે કાપડના રોલ, ફિજીન્ગ મશીન, પુઠ્ઠાના રોલ સહિતનો માલસામાન અને ચીજવસ્તુઓને નુકશાન થયુ હતુ. આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર ઓફિસર નરતોમ ખલાસીએ કહ્યુ હતું.