રામોલમાં 2 મિત્રોના ઝઘડામાં યુવક વચ્ચે પડતા શખ્સે તલવાર વડે હુમલો કર્યો
તુમ દોનો દાદા હો ગયે હો કહીને ત્રણેય શખ્સોએ ત્રણેય મિત્રોને ફટકાર્યા હતા
યુવક ત્રણેય શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી
અમદાવાદ, તા.12 જૂન-2023, સોમવાર
રામોલમાં બે મિત્રોના ઝઘડામાં યુવક છોડાવવા વચ્ચે પડતા એક શખ્સે તલવાર વડે હુમલો કર્યો હતો. જ્યારે ત્રણ શખ્સોએ તુમ દોનો દાદા હો ગયે હો કહીને ત્રણેય યુવકોને ફટકાર્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવારઅર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આ અંગે યુવકે ત્રણેય શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
રામોલમાં રહેતા અભિષેક અહીર કોલેજમાં અભ્યાસ કરે છે. ગત 11 જૂને રાત્રીના સમયે તેઓ ઘર પાસે આવેલ પાન પાર્લર પર કરણ અને શની નામના મિત્રો સાથે બેઠો હતો. તે દરમ્યાન અમીત ઉર્ફે કાણીયો, દિપસિંગ રાજપૂત અને તેનો મિત્ર તેમની પાસે આવ્યા હતા. તે બાદ ત્રણેય શખ્સો કરણ અને શનીને કહેવા લાગ્યા હતા કે તુમ દોનો દાદા હો ગયે હો ક્યાં હમારી પાસ સે ક્યો બાઇક ચલાયા કહીને બિભત્સ ગાળો આપીને માર મારવા લાગ્યા હતા. જેથી અભિષેક તેમને છોડાવવા વચ્ચે પડતા અમિતે તેના પર તલવાર વડે હુમલો કર્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થતા ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત અભિષેકને સારવારઅર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આ અંગે અભિષેકે ત્રણેય શખ્સો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.