કાયમી ભરતીની માંગ સાથે રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કરાયાં
વ્યાયામ શિક્ષકોની વ્યથાનો કોઇ અંત નહીં
પોલીસ દ્વારા રોજે રોજ અટકાયતનો સિલસિલો શરૃ કરાયા બાદ પણ ખેલ સહાયકો દ્વારા આંદોલન યથાવત રખાયું
ગાંધીનગર : રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માંગણી સાથે પાટનગરમાં સત્યાગ્રહ છાવણી પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેલ સહાયકો દ્વારા આંદોલનના ૨૭માં દિવસે રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા રોજે રોજ અટકાયતનો સીલસીલો શરૃ કરવામાં આવ્યા બાદ પણ ખેલ સહાયકો દ્વારા આંદોલન યથાવત રાખવામાં આવ્યુ હતું.
સરકારના શિક્ષણ વિભાગની ૧૧ માસના કરાર આધારિત ખેલ સહાયક તરીકે
શાળામાં નોકરીએ રાખવાની યોજનામાં રહેલી અસલામતી સહિતની અનેકવિધ વિસંગતતાના કારણે રાજ્યભરમાંથી
વ્યાપક વિરોધ ઉઠયો છે. આંદોલન છેડાવા પાછળ સરકારની નીતિને પણ કારણભૂત ગણાવતા આંદોલનકારીઓ
જણાવી રહ્યાં છે, કે છેલ્લા
દોઢ દાયકાથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી. ખેલ સહાયક તરીકે નોકર મેળવ્યા
પછી માત્ર ૮ મહિના માટે કામ પર રાખીને શાળા સંચાલકો બાકીના ૪ મહિના માટે ઘરે બેસાડી
દેતાં હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવામાં ફાંફા પડી જાય છે. આ વાતે લાંબા સમયથી કરવામાં
આવેલી રજૂઆતો પ્રત્યે સરકાર દ્વારા અનસુની અને અનદેખી કરવામાં આવી હોવાથી અહિંસક લડત
આપવા સિવાયનો કોઇ વિકલ્પ જ રહ્યો ન હતો. વિધાનસભાનું સત્ર ચાલવા દરમિયાન જ પિડીત ઉમેદવારો
દ્વારા સત્યાગ્રહ છાવણી પર ધામા નાખ્વામાં આવ્યા બાદ ૨૭ દિવસે પણ સરકાર તરફથી કોઇ પ્રતિભાવ
આપવામાં આવ્યો નથી. આટલુ ઓછું હોય તેમ હવે પોલીસ દરરોજ સત્યાગ્રહ છાવણી પર પહોંચી જાય
છે અને વિરોધ પ્રદર્શન કરતા ઉમેદવારોની અટકાયત કરે છે. ત્યારે ખેલ સહાયકો દ્વારા આંદોલન
ચાલુ જ રાખવાની જાહેરાત કરાઇ છે.