Get The App

રામદેવ સેવાશ્રમે 1851 માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડયા

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
રામદેવ સેવાશ્રમે 1851 માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડયા 1 - image


દેશભરમાંથી રખડતા-ભટકતા કચ્છ આવી પહોંચ્યા હતા

વર્તમાનમાં સેવાશ્રમમાં ૭૦ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોની ચાલતી સારવારઃ૪૮૫ દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરી માર્ગો પર ફરતા કર્યા

ભુજ: દેશભરમાંથી રખડતા ભટકતા કચ્છ આવી પહોંચેલા ૧૮૫૧ માનસિક દિવ્યાંગોને ભુજ નજીક પાલારા ખાતે આવેલા રામદેવ સેવાશ્રમે ઘર સુધી પહોંચતા કર્યા છે. દેશભરના માનસિક વિકલાંગો માટે ઘરનું બીજું સરનામું એટલે 'રામદેવ સેવાશ્રમ' એમ કહેવામાં પણ જરાય ખોટું નથી. માનવ સેવાની મિશાલ સમાન આ સંસ્થા વર્તમાનમાં ૭૦ માનસિક દિવ્યાંગ ભાઈ- બહેનોની સારવાર કરે છે. 

રામદેવ આશ્રમના સેવાભાવી પ્રબોધભાઈ જણાવે છે કે,  સંસ્થામાં માનસિક  વિકલાંગોને પરિવારના દિકરા-દિકરી, વડીલ તથા પરિવારના સભ્યની જેમ સાચવવામાં આવે છે. રોજ તેમને સ્નાન કરાવવું, વસ્ત્રો પહેરાવવા, હજામત કરાવવી વગેરે સેવા સાથે ત્રણ ટાઇમ ભોજન પીરસવામાં આવે છે. આ ઉપરાંત તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે કસરત, યોગા, રમત-ગમત વગેરે પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. ટીવીના જ્ઞાાનવર્ધક કાર્યક્રમો બતાવવામાં આવે છે, ગીત ગાવા, વાજિંત્રો વગાડવા વગેરે કરાવાય છે જેથી તેઓનું મગજ શાંત અને સ્વસ્થ રહે. પોલીસ તંત્રની મદદથી તેમના પરિવારને શોધવામાં આવે છે. પરિવારજનો કચ્છ સુધી તેમને તેડવા આવે છે ત્યારે અમુક મહિનાઓ કે ૫,૧૦,૧૫,૨૦કે ૩૫ વર્ષ મિલન થતું હોવાથી ભાવભર્યા દ્રશ્યો સર્જાય છે. પરિવારે જેની આશા છોડી દિધી હોય તેવો સભ્ય જીવિત મળી આવે ત્યારે પરિવારની ખુશી બેવડાઇ જાય છે.  ૬ વર્ષના ગાળામાં આ આશ્રમ સ્થળેથી ૧૮૫૧ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની અન્ય રાજયોમાં પોતાના વતન-ઘર સુધી પહોંચ્યા છે. રામદેવ સેવાશ્રમની સ્થાપના પહેલાની વાત કરીએ તો ટાંચા સાધનો અને સંસ્થાના એક રૂમના આશ્રયની મદદથી છેલ્લા ૨૦ વર્ષમાં માનવ જ્યોત સંસ્થાએ ગુમ થયેલા ૩૦૬૧ લોકોને તેમના પરિવાર સુધી પહોંચતા કર્યા છે. જેમાંથી ૧૮૫૧ રસ્તે ભટકતા માનસિક દિવ્યાંગો હતા.  ઉપરાંત ૪૮૫ દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરી માર્ગો પર ફરતા કર્યા છે.

માનવ જ્યોત સંસ્થાએ ગુજરાતની માનસિક દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ, આશ્રમો, સેવાશ્રમો સાથે પણ સંકલન કર્યું છે. જેથી વિવિધ સંસ્થાઓમાંથી આવા માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ભુજ સુધી લઇ આવી તેમના ઘર પરિવાર શોધી અપાય છે. ગુજરાતના વિવિધ આશ્રમોના ૪૦૦થી વધુ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ભુજની આ સંસ્થાએ ઘર સુધી પહોંચાડયા છે. સંસ્થામાં આશ્રમ સ્થળે નાના-મોટા ૩૦ રૂમો, ભોજનખંડ, અતિથિગૃહ, સ્ટાફરૂમ, મેડીકલ વોર્ર્ડ, ગૌશાળા, વિશાળ હોલ, ચબૂતરો વગેરે છે. રોજ ૨૫૦ જણાની રસોઇ બને છે, જેમાં ૧૦૩ વૃધ્ધો ઘરે નિઃશુલ્ક ટીફીન અહીંથી પહોંચે છે તેમજ માનસિક દિવ્યાંગો, સ્ટાફ વગેરે ભોજન કરે છે. સરકારી માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજની ટીમ અહીં નિયમિત આવી મનોરોગીઓની ટ્રીટમેન્ટ કરે છે. તેઓ ઉલ્લેખ કરે છે, અગાઉ જયારે માનસિક દિવ્યાંગોની સારવાર-સેવા માટે સંસ્થા પાસે જગ્યા ન હતી. ત્યારે રસ્તા પરથી લઇ આવેલા દિવ્યાંગોને સારવાર માટે સરકારી માનસિક આરોગ્યની હોસ્પિટલમાં દાખલ કરાવીને તેઓ થોડા સ્વસ્થ થઇ પરિવાર વિશે જણાવવા સક્ષમ બને ત્યારે તેમના પરિવારને શોધવા પ્રયાસ કરાતો.  આ સેવાકીય પ્રવૃતિમાં અન્ય કાર્યકરોની પણ મદદ મળી રહી છે.

માતાના સેવાકાર્યોમાંથી પ્રેરણા લઈ પુત્રોએ સેવાકીય પ્રવૃતિ આગળ વધારી

આ સંસ્થાનું નિર્માણ કે પછી પાયો કેવી રીતે નખાયો તેની વાત કરાય તો  વર્ષ ૧૯૮૦માં ભુજમાં  રખડતા ભટકતા નિરાધાર માનસિક વિકલાંગો માટે 'મમતામયી મા ' બની સ્વ.મણીબેન પ્રાગજી માહેશ્વરી દરરોજ પોતાના દિકરી- દિકરી હોય તે રીતે માનસિક વિકલાંગોને જમાડતા, નવડાવતા, કપડા બદલાવતા, ૧૯૮૦થી આ કાર્યનો ભુજના દરબાર ગઢ ચોકથી પ્રારંભ થયો હતો. આ કાર્યથી પ્રેરણા લઇને પુત્રો તથા સંસ્થાન પાયાના પથ્થરસમાન રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી તથા સાથીમિત્રો પૃથ્વીરાજસિંહ જાડેજા, મુરજીભાઇ ઠક્કર તથા પ્રબોધ મુનવરે  માનવજ્યોત સંસ્થાના માધ્યમથી આ માનવસેવાના કાર્યને ચાલુ રાખ્યું, શરૂઆતમાં શહેરમાં ફરી ફરીને માનસિક વિકલાંગોને ભોજન, કપડા, દવા સહિતની સેવાથી શરૂઆત કરી આજે આ સંસ્થાએ માનસિક દિવ્યાંગો માટે કાયમી વિસામા સમાન ભુજથી નજીક પાલારા ખાતે રામદેવ સેવાશ્રમ ઉભો કરીને આ સેવાની જ્યોતને વધુ વિસ્તારી છે. 


Google NewsGoogle News