રેલવેએ સ્વાગત કરતા રામભાઈએ રોકડું પરખાવ્યું-રાજકોટ સુધી 6 ટ્રેન તો લંબાવો
જન ઔષધિ કેન્દ્રના વડાપ્રધાનના વર્ચ્યુલ લોકાર્પણ કાર્યક્રમમાં અમદાવાદ પડી રહેતી 6 ટ્રેન રાજકોટ લંબાવવા 2 વર્ષની માંગણી : કેન્દ્રીય મંત્રીનું ટ્વીટ છતાં કામ થતું નથી : હરિદ્વાર જવા દૈનિક ટ્રેન પણ શરૂ ન થઈ
રાજકોટ, : આજે અન્ય સ્થળોની સાથે રાજકોટના રેલવે સ્ટેશન ખાતે લોકોની સુવિધા માટે આવકાર્ય એવું જન ઔષધિ કેન્દ્રનું વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ યોજાયું હતું.રેલવે તંત્ર દ્વારા મહાનુભાવોના સ્વાગત કરાયા ત્યારે રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયાએ બધાની હાજરીમાં જનઔષધિ કેન્દ્ર મુદ્દે સરકારની પ્રશસાની સાથે રેલવે અધિકારીઓને રોકડું પરખાવ્યું હતું કે રાજકોટ સુધી 6 ટ્રેન લંબાવવા લોકોની ઘણા સમયથી માંગણી છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે પણ તેને મંજુરી આપતું ટ્વીટ કર્યું છે છતાં ત્યારે જનહિતની આ કામગીરી કરો.
આ સાંસદે જણાવ્યું કે આ છ ટ્રેન અમદાવાદ એમને એમ પડી રહે છે તેને રાજકોટ લંબાવાય તે અત્યંત જરૂરી છે. કારણ કે હાઈવે પર ટ્રાફિક વધી રહ્યો છે અને લોકો ટ્રેન માર્ગે જવાનું પસંદ કરતા હોય છે. આ ઉપરાંત રાજકોટથી હરિદ્વારની સપ્તાહે માત્ર એક જ ટ્રેન છે અને તે દરેક ટ્રેન ફૂલ જાય છે, લોકોનો ભારે ધસારો હોય છે અને લોકોની વારંવાર રજૂઆતો થાય છે ત્યારે હરિદ્વારની દૈનિક ટ્રેન શરૂ કરવાની વર્ષો જુની માંગણી પણ સંતોષાઈ નથી તે મુદ્દે તંત્રને ટકોર કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ-અમદાવાદ સુધી ડબલ ટ્રેક, ઈલેક્ટ્રીફિકેશન સહિતની અબજો રૂ।.ની કામગીરી પૂરી થઈ ગઈ છેઅને અસંખ્ય લોકો સાંસદો, ધારાસભ્યોને ટ્રેન સુવિધા વધારવા રજૂઆતો કરતા રહે છે, ચેમ્બર સહિતની સંસ્થાઓએ પણ અનેકવાર માંગણી કરી છે છતાં રેલવે તંત્ર બહાના કાઢીને આ સુવિધા ટાળતું રહ્યું છે.