મેરે ઘર 'રામ-સીતા' આયેં હૈ...: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાએ જ 100થી વધુ પરિવારના ઘરે પારણાં ઝૂલ્યા
અમદાવાદ,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર
અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરના દિવસે અમદાવાદના 100 વધુ પરિવારના ઘરે પારણાં ઝૂલ્યા હતા. મોટાભાગના પરિવારો જન્મ લેનારા સંતાનમાં પુત્ર હોય તો 'રાઘવ' અને પુત્રી હોય તો 'વૈદેહી'-'જાનકી' જેવું નામ રાખવા માગે છે.
પરિવારો નવજાત પુત્રનું નામ 'રાઘવ', પુત્રીનું નામ 'વૈદેહી', 'જાનકી' રાખવા માગે છે
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રામલલાની પ્રતિષ્ઠા થઇ હતી રહી હતી તે દરમિયાન એટલે બપોર 12 થી 1 માં અંદાજે 34 બાળકોનો જન્મ થયો હતો. બપોરે 12 થી 1માં જે બાળકોએ સંતાનને જન્મ આપ્યો તેમાં મોટાભાગની પ્રી પ્લાન્ડ હતી. બાળકના જન્મ બાદ પરિવારોએ તેમના સંતાનને રામના ચિત્રવાળા કપડાં પહેરાવ્યા હતા. 22 જાન્યુઆરીએ પિતા બનનારા એક વ્યક્તિએ જણાવ્યું કે, 'મારી પત્નીને 24મી જાન્યુઆરીની સંભવિત તારીખ આપવામાં આવી હતી. પરંતુ અમે 22 જાન્યુઆરીના જ માતા-પિતા બનવા ડોક્ટરને વિનંતી કરી હતી. મારો પરિવાર રામ ભક્ત છે અને આ ક્ષણને અંગત રીતે પણ અમે યાદગાર બનાવી દેવા માગતા હતા. '
ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠના ખાસ દિવસને મહિલાઓ વધુ ખાસ બનાવવા માટે ડાક્ટરને વિનંતી કરી હતી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ગર્ભવતી મહિલાઓ બાળકોને જન્મ આપવા માંગતી હતી, જેના કારણે 22 જાન્યુઆરીએ ડિલિવરીની માંગ વધી ગઇ હતી.આ પૈકી મોટાભાગની મહિલાઓ જેમની ડિલિવરીની સંભવિત તારીખ 20 થી 24 જાન્યુઆરીની વચ્ચે છે. આ મહિલાઓ 22 જાન્યુઆરીએ પોતાના બાળકને આ વિશ્વમાં લાવવાની આશામાં સિઝેરિયન ડિલિવરી માટે પણ તૈયાર હતી.
સુરતમાં 75 થી વધુ બાળકો જન્મ્યા
22 જાન્યુઆરીના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરે સુરતમાં 75 થી વધુ બાળકો જન્મ્યા હતા. જેમાં સિવિલમાં 28, સ્મિમેરમાંથી 13 જ્યારે ખાનગી હોસ્પિટલોમાંથી 36 બાળકોના જન્મનો સમાવેશ થાય છે. આ સિવાય રાજકોટ, વડોદરામાંથી આજે 50 થી વધુ બાળકોનો જન્મ થયો હતો.