પ્રતિબંધિત કાર્બાઇડ વેચતી રામ ફ્રૂટ પેઢી અને તેના ત્રણ ભાગીદારને રૂા.30 હજારનો દંડ
16 વર્ષ પૂર્વે લેવાયેલાં સેમ્પલના કેસનો ચૂકાદો આવ્યો
વર્ષ-2008માં પેઢીમાંથી ૪૫ પડીકા કાર્બાઇડના નમૂના લેવાયા હતા, અંતે લોક અદાલતમાં કબૂલાત આપતા સજા ફટકારાઇ
ભાવનગર જિલ્લા ફૂડ વિભાગના ફૂડ ઇન્સપેક્ટર ડી.વાય. પદુવંશીએ ગત તા.૧૬ મે, ૨૦૦૮ના રોજ શહેરના ગંગાજળિયા તળાવ ખાતે આવેલ રામ ફ્રૂટ દુકાન નં.૫માં તપાસ હાથ ધરી હતી જ્યાંથી ૫૦૦ પડીકા કાર્બોઇડના મળી આવ્યા હતાં જેનો ઉપયોગ ફળ પકવવામાં થતો હોય જે પ્રતિબંધિત વસ્તુ ગણાતી હોય જે મામલે તે સમયે ૪૫ પેકેટના નમૂના તરીકે લીધા હતા અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા હતાં. રાજકોટ, મૈસૂર ખાતે લેબ.માં મોકલાયેલા સેમ્પલમાં પડીકા કાર્બાઇડના જ હોવાનું સાબિત થયા બાદ કોર્ટમાં પ્રિવેન્શન ઓફ ફૂડ એડલટ્રેશન એક્ટ ૧૯૫૪ની કલમો હેઠળ પેઢી સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.આ કેસ તાજેતરમાં ચોથા એડિ.ચીફ જ્યુ.મેજિસ્ટ્રેટ જોય મહેતાની લોક અદાલત હેઠળ ચાલી જતાં કોર્ટે રામ ફ્રૂટ પેઢી તથા તેના ત્રણ ભાગીદાર શૈલેષ સુરેશભાઇ ઠક્કર, સુરેશ ગીરધરભાઇ ઠક્કર અને રામદેવસિંહ ગીરવાનસિંહ ગોહિલ એમ પ્રત્યેકને ૭,૫૦૦ મળી કુલ ૩૦ હજારનો દંડ ફટકાર્યો હતો જો તે ન ભરે તો કોર્ટ દ્વારા તમામને ૧ માસની સાદી કેદની સજા ફટકારવાની જોવાઈ કરવામાં આવી છે.