રાજકોટનું શાસ્ત્રીમેદાનનું હંગામી બસસ્ટેન્ડ 30મીથી સંપૂર્ણ બંધ
- આધુનિક બસપોર્ટમાં અપુરતી જગ્યા હોવાથી હવે ઢેબરરોડ ઉપર સર્જાશે ટ્રાફિક જામના દ્રશ્યો
- તમામ એસટી બસોનું સંચાલન નવા બસ પોર્ટથી થશે
રાજકોટ, તા. 27 જાન્યુઆરી 2021, બુધવાર
રાજકોટ શાસ્ત્રી મેદાનના હંગામી એસટી ડેપોનું તા.૨૯મી સુધીમાં સંપુર્ણ સ્થળાંતર ઢેબર રોડ ઉપર આવેલા નવા એસટી બસ પોર્ટમાં કરી દેવામાં આવનાર હોવાથી હવે તા.૩૦ જાન્યુ.થી શહેરમાં માત્ર એક જ સેન્ટ્રલ એસટી બસડેપો કાર્યરત રહેશે. અત્યારે કોરોનાને લીધે એસટી બસોમાં ટ્રાફિક ઓછો છે પરંતુ બે મહિના બાદ સિઝન શરૂ થયા બાદ એસટીડેપો નજીક ટ્રાફિકના ગંભીર પ્રશ્નો ઉભા થશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે.
રાજકોટમાં ઢેબર રોડ ઉપર નવનિર્મિત એસટી ડેપો તૈયાર થયાના એક વર્ષ બાદ શાસ્ત્રી મેદાનમાં હંગામી ધોરણે જે ત્રણ વર્ષથી બસ સ્ટેન્ડ ચાલતુ હતુ તેનું કાયમી ધોરણે સ્થળાંતર કરી શાસ્ત્રી મેદાનનો કબજો જિલ્લા વહીવટીતંત્રને સોંપી દેવામાં આવશે. રાજકોટ એસટી ડિવિઝનના સુત્રોએ જણાવ્યું હતુ કે, આવતીકાલ તા.૨૮મીથી જૂનાગઢ અને ગોંડલઅને ત્યાર બાદ તા.૨૯થી ભાવનગર જતી તમામ એસટી બસોનું સંચાલન ઢેબર રોડ ઉપરના બસપોર્ટ ખાતે કરવામાં આવશે નવા બસપોર્ટમાં ૨૧ પ્લેટફોર્મ ઉપર હોવા છતાં બસોના સંચાલનમાં મુશ્કેલી થશે. રાત્રિ રોકાણ કરતી એસટી બસોને શાસ્ત્રી મેદાનમાં ઉભી રાખવા દેવામાં નહી આવ ેતો બસના પાર્કિંગ માટે મુશ્કેલી થશે અત્યારે બસ પોર્ટની પાછળનો એક દરવાજો ખોલી દેવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં જગ્યાની દ્રષ્ટિએ નવો એસટી ડેપો સાંકડો હોવાથી ટુંક સમયમાં જ ઢેબર રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળશે.