રાજકોટના સિનીયર ટાઉન પ્લાનરની પુત્રીને નોકરીનું પ્રલોભન આપી રૂ. 66 હજાર પડાવ્યા
- ભટારમાં માતા સાથે રહેતી અને ફિઝીયોથેરાપીનો અભ્યાસ કરતી પુત્રીએ લીન્ક્ડઇન. કોમ અને સાઇન. કોમ ઉપર રીઝ્યુમ મુકયો હતો
- ભેજાબાજે વિપ્રો કંપનીમાં જોબની ઓફર કરી કુરીયર ચાર્જીસ સહિતના નામે ક્યુઆર કોડ મોકલાવી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા
સુરત
રાજકોટના સિનીયર ટાઉન પ્લાનરની ભટારમાં રહેતી અને ફિઝીયોથેરાપીનો અભ્યાસ કરતી પુત્રીએ નોકરીની શોધખોળ માટે લીન્ક્ડઇન. કોમ અને સારથી. કોમ ઉપર મુકેલા રીઝ્યુમ ઉપરથી મોબાઇલ નંબર મેળવી ભેજાબાજે વિપ્રો કંપનીમાં નોકરીની લાલચ આપી રૂ. 66 હજાર પડાવી લીધાની ફરિયાદ ખટોદરા પોલીસમાં નોઁધાય છે.
રાજકોટના સિનીયર ટાઉન પ્લાનર સંતકુમાર પંડયા અને સુરતના અઠવાલાઇન્સની સ્કેટ કોલેજની મહિલા પ્રોફેસર અલ્પાબેન પંડયાની ફિઝીયોથેરાપીનો અભ્યાસ કરતી પુત્રી રીવા પંડયા (ઉ.વ. 18 રહે. ક્રીમશન પેલેસ, શ્રીરામ માર્બલની ગલીમાં, ભટાર, સુરત) એ ગત જુન મહિનામાં નોકરી માટે લીન્ક્ડઇન. કોમ અને સાઇન. કોમ ઉપર પોતાનો રીઝ્યુમ અપલોડ કર્યો હતો. જે અંતર્ગત અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હતો અને તમારે જોબ કરવી હોય તો રજીસ્ટ્રેશન ફી પેટે રૂ. 500 ભરવા પડશે એમ કહી પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલાવ્યો હતો. રીવાએ ક્યુઆર કોડ સ્કેન કરી રૂ. 500 રજીસ્ટ્રેશન ફી પેટે ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ કોલ કરનાર અજાણ્યાએ નોકરી માટે તમારે લેપટોપ, મોબાઇલ ફોન, વાઇફાઇ ડોન્ગલ વિગેરેની જરૂરિયાત પડશે, જો અમે તમને મોકલી આપીએ તો તમારે કુરીયર ચાર્જ, કુરીયર સેફ્ટી ચાર્જ, ઇન્સ્યોરન્સ વિગેરે ચુકવવા માટે ક્યુઆર કોડ મોકલાવ્યો હતો. આ કોડ સ્કેન કરી કોલ કરનારના કહેવા મુજબ અલગ-અલગ રકમ મળી કુલ રૂ. 62 હજાર ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ રીવા ઉપર એક મેઇલ આવ્યો હતો જેમાં વિપ્રો કંપનીનો જોબ લેટર હતો અને કોલ કરનારે સેલેરી એકાઉન્ટ ખોલાવવા વધુ રૂ. 40 હજારની માંગણી કરી હતી. આ રકમ સેલેરની સાથે એકાઉન્ટમાં જમા થઇ જશે એવું કહેતા રીવાને શંકા ગઇ હતી.