Get The App

રાજકોટનાં રાજમોતી મિલના માલિક સમીર શાહ, એએસઆઈ ભટ્ટ સહિત ત્રણને આજીવન કેદ

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
રાજકોટનાં રાજમોતી મિલના માલિક સમીર શાહ, એએસઆઈ ભટ્ટ સહિત ત્રણને આજીવન કેદ 1 - image


અમદાવાદ ખાતેના બ્રાંચ મેનેજર દિનેશ દક્ષિણી હત્યા કેસમાં

૧૦ આરોપીમાંથી એક આરોપી તાજના સાક્ષી બની જતાં તેને માફી અપાઇ, પાંચ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકાયા

રાજકોટ :  પોતાની અમદાવાદ ખાતેની બ્રાન્ચના મેનેજર દિનેશ દક્ષિણીએ લાખોની ઉચાપત કર્યાની શંકા પરથી તેનું અપહરણ કરી, મારકૂટ કરી, મોત નિપજાવવાના કેસમાં રાજકોટની રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર મધુકાન્તભાઇ શાહ (ઉ.વ.૫૭, રહે. પ્રાંગણ એપાર્ટમેન્ટ, પાંચમા માળે, અમીન માર્ગ), તેના ડ્રાઇવર ક્રિપાલસિંહ રઘુવીરસિંહ ચુડાસમા (ઉ.વ.૩૨, ગોકુલ સોસાયટી શેરી નં. ૧, ધ્રોલ) અને એએસઆઈ યોગેશ રમણલાલ ભટ્ટ (ઉ.વ.૫૭, રહે. બહુમાળી ભવન પાસે, સરકારી વસાહત)ને રાજકોટના એડિશનલ સેશન્સ જજ સંજીવકમલ વેદપ્રકાશ શર્માએ તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે.

સૌરાષ્ટ્રમાં ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં કુલ ૧૦ આરોપીઓ હતા. જેમાંથી ત્રણને તકસીરવાન ઠરાવાયા છે. એક આરોપીનું કેસ ચાલવા દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. એક આરોપી તાજનો સાક્ષી બની ગયો હતો. જ્યારે બાકીના પાંચ આરોપીઓને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે હત્યાનો ભોગ બનનાર દિનેશભાઇ દક્ષિણી રાજમોતી ઇન્ડસ્ટ્રીઝની અમદાવાદ શહેરની બ્રાંચમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. જેણે રૃા. ૬૫થી ૭૦ લાખની ઉચાપત કર્યાની શંકા પરથી ૨૦૧૬ની સાલમાં તેનું અપહરણ કરી, રાજકોટ લઇ આવી, ગોંધી રાખી અસહ્ય માર માર્યા બાદ બેડીપરા ચોકીમાં લઇ જવાયા હતાં. જ્યાં એએસઆઈ યોગેશ ભટ્ટે તેની પાસેથી પૈસા કઢાવવા અને ગુનાની કબૂલાત કરાવવા માટે માર માર્યો હતો. જેને કારણે દિનેશભાઈની તબિયત  લથડતા તેને સિવિલ લઇ જવાયા હતાં. જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતાં.

આ બનાવમાં તેના સાળા અશોક કેવલભાઈ ઠક્કરની ફરિયાદ પરથી પોલીસે ગુનો દાખલ કરી તપાસના અંતે કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતાં બંને પક્ષોની દલીલો, રજૂઆતો બાદ પૂરાવાઓ તપાસી અદાલતે આરોપી સમીર શાહ, તેના ડ્રાઇવર ક્રિપાલસિંહ ચુડાસમા અને એએસઆઈ યોગેશ ભટ્ટને તકસીરવાન ઠરાવી આઈપીસી કલમ ૩૦૨ સાથે વાંચતા કલમ ૧૨૦ (બી) મુજબ આજીવન કેદની સજા અને રૃા. ૨૫ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો.  જ્યારે આ ત્રણેય આરોપીઓને આઈપીસી કલમ ૩૬૪ સાથે વાંચતા કલમ ૧૨૦ (બી) હેઠળ પણ આજીવન કેદની સજા અને રૃા. ૨૫ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો.

આ ત્રણેય આરોપીઓને આઈપીસી કલમ ૩૪૧ સાથે વાંચતા કલમ ૧૨૦ (બી) મુજબ એક માસની સાદી કેદની સજા ઉપરાંત રૃા. ૧૦૦નો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓને જીપીએક્ટની કલમ ૧૩૫ હેઠળ ચાર માસની સાદી કેદની સજા અને રૃા. ૧૦૦૦નો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. ત્રણેય આરોપીઓને તમામ સજા એક સાથે ભોગવવાનો પણ અદાલતે હુકમ કર્યો છે. સાથોસાથ કાચા કામના કેદી તરીકે રહ્યા હોય તે તમામ સમય સજામાંથી મજરે આપવાનો પણ હુકમ કર્યો છે.

અદાલતે આરોપી સંદીપ ઇશ્વરલાલ ગાંધી કે જે તાજના સાક્ષી બની ગયા હતા. તેને માફી આપી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. જ્યારે આરોપીઓ સંદીપ કિર્તીકુમાર ગાંધીધર્મેન્દ્ર રમણલાલ પટેલ, ત્રિકેશ કાંતિભાઈ  ગુર્જર, વિજય દેવશીભાઈ સિંધવ અને કૈલાશ પુસાજી મારવાડીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. કેસ ચાલવા દરમિયાન આરોપી કીર્તિકુમાર શાંતિલાલ ગાંધીનુ અવસાન થતાં તેની સામેનો કેસ અદાલતે એબેટ કરવાનો હુકમ કર્યો હતો.

આ કેસમાં સ્પેશિયલ પીપી તરીકે ચેતનભાઈ શાહ, આસિસ્ટન્ટ પીપી તરીકે હિરેનભાઈ પટેલ, મૂળ ફરિયાદી વતી એડવોકેટ લલીતસિંહ શાહી અને ભૂવનેશ શાહી રોકાયેલા હતા. 

rajkotked

Google NewsGoogle News