વરસાદની આગાહીને લઈને સૌરાષ્ટ્રના આ માર્કેટ યાર્ડ રહેશે બંધ, ખેડૂતોને ખાસ અપીલ
Jasdan Market Yard: છેલ્લા ઘણાં દિવસથી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદના કારણે કપાસ, મગફળી, સોયાબીન, મરચાં, ડુંગળી સહિતના તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું છે. આ દરમિયાન વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના બે મોટા યાર્ડે મોટો નિર્ણય લીધો છે. જસદણ માર્કેટ યાર્ડ મંગળવારથી (22મી ઑક્ટોબર) બંધ રાખવાની જાહેરાત કરી છે. તો ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઈ છે.
રાજકોટના જસદણ માર્કેટ યાર્ડની જાહેરાત
રાજકોટનું જસદણ માર્કેટ યાર્ડ મંગળવારે (22મી ઑક્ટોબર) બંધ રહેશે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીના પગલે અને ખેડૂત અને વેપારીની જણસ વરસાદમાં ન પલળે તે માટે યાર્ડે આ નિર્ણય કર્યો છે. હવામાન વિભાગ તરફથી નવી કોઈ જાહેરાત ન થાય ત્યાં સુધી યાર્ડ બંધ રહેશે. આ બાબતે યાર્ડે ખેડૂતોને સૂચના પણ આપી દીધી છે.
આ પણ વાંચો: ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રક, આઇસર અને ટેન્કર વચ્ચે અકસ્માત, ત્રિપલ અકસ્માતમાં 1 યુવાનનું મોત
યાર્ડની ખેડૂતોને અપીલ
ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની ઢગલાબંધ આવક થઈ રહી છે. વરસાદી વાતાવરણને પગલે પાકના નુકસાનની ભીતિ હોવાથી ખેડૂતો યાર્ડમાં મગફળી ભરી રહ્યા છે. પરંતુ માર્કેટ યાર્ડમાં મબલખ મગફળીની આવક થઈ છે. આ ઉપરાંત વરસાદી વાતાવરણ અને યાર્ડમાં જગ્યા ન હોવાથી ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ આગામી સમયમાં માર્કેટ ખૂલતાં જ્યારે પણ ખેડૂતો મગફળી લઈને યાર્ડમાં આવે તો મગફળી સૂકવીને લાવવા ખેડૂતોને અપીલ કરાઈ છે. નોંધનીય છે કે, માર્કેટ યાર્ડમાં એક લાખથી વધુ મગફળીની ગુણીની આવક નોંધાઈ છે.
જગતનો તાત ચિંતિત
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં ચોમાસું વિધિવત પૂર્ણ થવા છતાં હજુ વરસાદ અવિરત ચાલુ છે. જેને લઈને જેતપુર, લોધિકા બગસરા પંથકમાં પણ માવઠાના કારણે ખેતી પાકનો સોંથ વળી ગયો છે. કપાસ, મગફળી, સોયાબીન, મરચાં, ડુંગળી સહિતના તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી તાકિદે સર્વે કરાવીને પીડિત ખેડૂતોને વહેલી તકે યોગ્ય સહાય વળતર ચૂકવવા માંગ ઊઠી છે.
આ પણ વાંચો: અમરેલી: 'આઝાદીના 77 વર્ષ પછી પણ નાવલી નદીની હાલત બદતર', ભાજપ નેતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર પ્રહાર
રાજ્યમાં વાવાઝોડાની શક્યતા!
રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ છેલ્લા બે દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી હળવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસમાં વાવાઝોડાની શક્યતા દર્શાવી છે. તેમણે કહ્યું કે, 'આગામી 22મી ઑકટોબરથી અંદમાન નિકોબાર ટાપુમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનવાથી 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક ગતિનું વાવાઝોડું થવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં દિવાળીના તહેવારથી ઠંડી પડવાની શરુ થશે.'