Get The App

રાજકોટનું ઈન્ટરનેશનલ એરપોર્ટ હજુ ડોમેસ્ટીક રહેશે,માર્ચમાં ટર્મીનલ શરૂ થશે

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
રાજકોટનું ઈન્ટરનેશનલ એરપોર્ટ હજુ  ડોમેસ્ટીક રહેશે,માર્ચમાં ટર્મીનલ શરૂ થશે 1 - image


શહેરથી હવાઈયાત્રીઓની માસિક સંખ્યા રેકોર્ડ 87000એ પહોંચી  : રેસકોર્સ ખાતે જુનુ એરપોર્ટ VVIP ના હેલીકોપ્ટર ઉતરાણ માટે વપરાશે  : લોકો માટે બંધ 

રાજકોટ, : ગુજરાતનું સૌ પ્રથમ ગ્રીનફિલ્ડ એટલે કે પાયાથી બનાવાયેલું એરપોર્ટ,રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું તા. 27 જૂલાઈએ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થયા બાદ તા.10-0-2023 થી રાજકોટથી તમામ ફ્લાઈટની અવરજવર આ નવા એરપોર્ટથી  શરૂ થઈ છે. પરંતુ, આ એરપોર્ટ પરથી વિદેશોની ફ્લાઈટની અવરજવર શરૂ થતા હજુ સમય લાગશે. એરપોર્ટ સૂત્રો અનુસાર માર્ચ માસમાં આ એરપોર્ટનું ટર્મીનલ શરૂ થઈ જવાની શક્યતા છે.

રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટ દિગંત બોહરાએ જણાવ્યું કે રાજકોટના નવા એરપોર્ટ ઉપર ફ્લાઈટ્સની અવરજવર ખાસ વધી નથી પરંતુ, મુસાફરોની અવરજવરમાં ખાસ્સો વધારો થયો છે અને ગત નવેમ્બર-2023 માં મુસાફરોની સંખ્યા રેકોર્ડબ્રેક 86,667 નોંધાઈ હતી.જે સંખ્યા ગત વર્ષે આ જ માસ નવે-2022માં 63,424  હતી. આમ, ઉતારૂ સંખ્યામાં આશરે 20 ટકાનો વધારો થયો છે.  વાર્ષિક મુસાફરોની સંખ્યા જે પહેલા 7  લાખ આસપાસ રહેતી તે નવા એરપોર્ટમાં 10 લાખને પાર થવાની સંભાવના છે. નવા ટર્મીનલનું કામ ઝડપથી થઈ રહ્યું છે અને માર્ચમાં તે કાર્યરત થવાની શક્યતા છે. 

બીજી તરફ, મળતી માહિતી મૂજબ રાજકોટના જુના અને તા. 8-9-2023ના  બંધ કરાયેલા રેસકોર્સ પાસેના એરપોર્ટ પર તાજેતરમાં ચીફ જસ્ટીસ આવ્યા ત્યારે હેલીકોપ્ટરનું ઉતરાણ થયું હતું. આ એરપોર્ટ વિમાનની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરાયું છે પરંતુ, વી.વી.આઈ.પી.ઓ રાજકોટ આવે ત્યારે શહેરથી 35 કિ.મી.દૂર ઉતરે અને બાયરોડ આવવું બંદોબસ્ત,સુરક્ષા વગેરે દ્રષ્ટિએ અઘરૂં હોય હેલીકોપ્ટર ઉતરાણ માટે જુનુ એરપોર્ટ ચાલુ રહેવાના નિર્દેશો મળ્યા છે. જો કે ખાનગી હેલીકોપ્ટર સેવા માટે તે બંધ રહેશે. 


Google NewsGoogle News